ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગૂગલ ડ્રાઈવમાં બાળપણની નિર્વસ્ત્ર તસવીર અપલોડ કરવા બદલ એકાઉન્ટ થયું બ્લોક, હાઈકોર્ટે ગૂગલને નોટિસ મોકલી

Text To Speech

અમદાવાદ, 18 માર્ચ : ન્યુડિટીને લઈને ટેક કંપનીઓ પર રેગ્યુલેટરી તરફથી ઘણું દબાણ છે. આમ છતાં સોશિયલ મીડિયા પર તેની ભરમાર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ટેક કંપનીઓ ન્યૂડિટીને લઈને તેમની નીતિઓને સખત રીતે લાગુ કરી રહી છે. આ સીરિઝમાં ગૂગલે એક વ્યક્તિનો ઈ-મેલ બ્લોક કરી દીધો કારણ કે તેણે ગૂગલ ડ્રાઈવ પર બાળપણના નિર્વસ્ત્ર ફોટા અપલોડ કર્યા હતા. એક વર્ષ સુધી સતત પ્રયાસો બાદ વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

ફોટામાં શું હતું?

આ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે ગૂગલ ઈન્ડિયાને નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિએ ગૂગલ ડ્રાઇવ પર જ્યારે તે બે વર્ષનો હતો ત્યારની અવસ્થાનો પોતાનો એક ફોટો અપલોડ કર્યો હતો જેમાં તેની દાદી તેને નવડાવી રહી હતી. ન્યાયાધીશ વૈભવી ડી નાણાવટીની કોર્ટે 15 માર્ચે ગૂગલ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ જારી કરી હતી, જેનો જવાબ 26 માર્ચ, 2024 સુધીમાં આપવાનો રહેશે.

કોમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લાએ ગૂગલને પડકાર ફેંક્યો હતો

અરજદાર નીલ શુક્લા કોમ્પ્યુટર એન્જિનિયર છે. તેણે ગૂગલ ડ્રાઇવ પર પોતાના બાળપણના ફોટા અપલોડ કર્યા, જેમાં એક ફોટો તેની બે વર્ષની અવસ્થાનો છે, જેમાં તેમની દાદી તેમને નવડાવી રહી હતી. શુક્લાના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે ગૂગલે ગયા વર્ષે એપ્રિલમાં શુક્લાના એકાઉન્ટને “સ્પષ્ટ બાળ શોષણ” દર્શાવતી સામગ્રી સંબંધિત નીતિનું ઉલ્લંઘન કરવા બદલ બ્લોક કરી દીધું હતું.

એક વર્ષ પછી કોર્ટમાં પહોંચ્યો

લગભગ એક વર્ષ સુધી બ્લોક હટાવવાની રાહ જોયા બાદ શુક્લાએ 12 માર્ચે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. દેસાઈએ કોર્ટને કહ્યું કે ગૂગલે ઈમેલ એકાઉન્ટ બ્લોક કરી દીધું છે, તેથી શુક્લા તેમના ઈમેલ એક્સેસ કરી શકતા નથી અને તેના કારણે તેમના બિઝનેસને નુકસાન થયું છે.

શુક્લાએ ભારતમાં આવા કેસો માટે નોડલ એજન્સી ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેના પગલે તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારે તાત્કાલિક સુનાવણી માટે પણ વિનંતી કરી હતી કારણ કે તેને ગૂગલ તરફથી નોટિસ મળી હતી જેમાં જણાવાયું હતું કે તેના એકાઉન્ટ સાથે સંબંધિત ડેટા એક વર્ષ પછી એટલે કે એપ્રિલમાં કાઢી નાખવામાં આવશે.

Back to top button