ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સટ્ટાબજારે એક્ઝિટ પોલ પહેલાં જ આપી દીધી ચાર વિધાનસભાની આગાહી, જાણો

Text To Speech

નવી દિલ્હી, 30 નવેમ્બર: RPG એન્ટરપ્રાઇઝિસના ચેરમેન હર્ષ ગોએન્કાએ સોમવારે છત્તીસગઢ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ‘સટ્ટા બજાર’ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડ્યા છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન ચાલુ છે, જ્યારે અન્ય ત્રણ રાજ્યોમાં મતદાન થઈ ચૂક્યું છે અને ચારેય રાજ્યોના પરિણામો રવિવારે (3 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે.

પ્રિડિક્શન મુજબ કોંગ્રેસ છત્તીસગઢમાં સત્તા જાળવી રાખશે અને મધ્યપ્રદેશ ભાજપ પાસેથી સત્તા છીનવી લે તેવી શક્યતા છે. તેલંગાણામાં સૌથી જૂની સત્તાધારી પાર્ટી BRS સાથે ગળાકાપ સ્પર્ધા રહેવાની ધારણા છે. જેમાં બંને પક્ષ 53-53 બેઠક મેળવે તેવો અંદાજ છે. તેલંગાણામાં 119 સભ્યોનું વિધાનસભા ગૃહ છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને 60 બેઠકોની જરૂર છે. જો આ ધારણા સાચી પડે તો તે મુખ્યમંત્રી અને BRS વડા કે. ચંદ્રશેખર રાવ માટે મોટો ફટકો હશે, કારણ કે તેઓ 2014થી રાજ્ય પર શાસન કરી રહ્યા છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા ગુમાવી શકે છે

જો કે રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ સત્તા ગુમાવી શકે છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ઈતિહાસ છે. તે પરંપરા મુજબ હવે રાજસ્થાનમાં સરકાર બનાવવાનો ભાજપનો વારો છે. સટ્ટાબજારની ભવિષ્યવાણી મુજબ, ભાજપને 200માંથી 115 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 68 બેઠકો મળી શકે છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી માટે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવવી એ એક મોટો ફટકો હશે. રાજ્યમાં ભાજપને 230માંથી 106 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 117 બેઠકો જીતવાનો અંદાજ છે.

છત્તીસગઢમાં સટ્ટાબજારે કોંગ્રેસને 50 અને ભાજપને 37 બેઠકો મળવાની શક્યતા વ્યકત કરાઈ છે. કોંગ્રેસ અહીં સરકાર બનાવશે તેવી અપેક્ષા છે પરંતુ સંખ્યા ઓછી છે. 2018માં કોંગ્રેસે 68 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને માત્ર 15 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સટ્ટાબાજીની ભવિષ્ય વાણી મુજબ, ભાજપ છેલ્લી ચૂંટણી કરતાં તેની બેઠકો બમણી કરી શકે છે.

જો કે, હવે જોવાનું એ રહેશે કે આ તમામ રાજ્યોમાં કોણ સરકાર બનાવશે, અને કોણ સત્તા ગુમાવશે.

આ પણ વાંચો: તેલંગાણા ચૂંટણી: પોલિંગ બૂથ પર BRS અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ 

Back to top button