અમદાવાદગુજરાત

ધોલેરા વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મૃત્યુ

Text To Speech

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં હાઈવે પર બેફામ પણે જતાં ભારે વાહનોને કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે. ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી જતાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકમાં બેઠેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. ધોલેરા પોલીસે ઘટના સ્થળ પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રકમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે વહેલી સવારે ધોલેરા વટામણ હાઈવે પર સ્થિત પીપળી ગામ પાસે બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકું વળી ગયો હતો. ટ્રકમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં. આ અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત થયો હતો
ગઈકાલે ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ પણ વાંચોઃગુજરાતમાં ફરી ઝડપાયો નકલી અધિકારી, ખેડૂતો સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી

Back to top button