અંકલેશ્વર નજીક ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 3 લોકોના મૃત્યુ


ભરૂચ, તા.8 જાન્યુઆરી, 2025: ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. અંકલેશ્વરના બાકરોલ નજીક નેશનેલ હાઇવે 48 પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 4 ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ કારમાં સવાર પરિવારના સભ્યો મુંબઈ તરફ જઇ રહ્યા હતા. અર્ટિગા કાર પડીકું વળી ગઈ હતી. મંગળવારે દ્વારકાના ભીમરાણા નજીક પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા.
આ પણ વાંચોઃ ટ્રમ્પે શપથ પહેલા સ્પષ્ટ કર્યો એજન્ડા, આ વાત પર મૂક્યો ભાર