જૂનાગઢ બાયપાસ પાસે અકસ્માત, કારે હડફેટે લેતા GRD જવાનનું મોત, એકને ઇજા
- રાજકોટ તરફથી આવતી હતી કાર
- સાંકડીધાર નજીક પોલીસ ચેકપોસ્ટમાં કાર ઘૂસી ગઈ
- અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થયો
જૂનાગઢના જેતપુર – રાજકોટ હાઇવે પર આવેલી સાંકળીધાર પોલીસ ચેકપોસ્ટ પર ગતરાત્રિના રાજકોટથી પુરઝડપે આવી રહેલી એક કારે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા બે જી.આર.ડી જવાનોને હડફેટે લીધા હતા. જેથી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, જૂનાગઢ નજીક આવેલી સાકરીધાર પોલીસ ચેકપોસ્ટ પર બે જીઆરડી જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે રાજકોટથી પુરઝડપે આવતી સફેદ કલરની કારે પોલીસ ચેકપોસ્ટમાં ઘૂસાડી દીધી હતી. જેને લઇ ફરજ પરના બે જીઆરડી જવાનો કારની અડફેટે આવ્યાં હતા. જેથી અકસ્માત થયો હતો. જેને પગલે હાઇવે પર લોકોના ઉમટી પડ્યા હતા. જી.આર.ડી જવાન કાનાભાઈ ડાયાભાઈ દેગડા ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જયેશભાઈ હીરાભાઈ ચૌહાણ નામના જીઆરડી જવાનને વધુ ઇજા પહોંચતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ સમગ્ર ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
કાર ચાલકની નંબરના આધારે શોધખોળ
અકસ્માતના બનાવને લઈ જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ફોરવ્હીલ ચાલક પોતાની GJ 18 BH 7 નંબરની ફોરવ્હીલ મૂકી અકસ્માતની જગ્યાએથી નાસી છૂટ્યો છે. સીસીટીવી તેમજ અલગ અલગ ટીમો બનાવી કાર ચાલકને પોલીસ શોધી રહી છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.