સુરતમાં એક સાથે 10 વાહનોનો અકસ્માતઃ અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત
- સુરતના કીમ ચાર રસ્તા પર બની ઘટના
- નેશનલ હાઇવે બન્યો અકસ્માતોનું ઘર
- હાઇવે નંબર 48 પર મોડી રાતે બની ઘટના
સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ઘર બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. અવારનવાર અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. હાઈવે પર પેસેન્જરો ભરવા માટે આડેધડ લક્ઝરીઓ ઊભી રાખવાના પરિણામે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા પર એક પછી એક એમ 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બુમાબુમ મચી ગઇ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત
સુરતમાં વધુ પેસેન્જર્સ ભરવાની લ્હાયમાં હાઇવે પર જોખમી રીતે લકઝરી બસો થોભાવી દેવાય છે. ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત ફરિયાદ પણ ઉઠી હતી. 14 સપ્ટેમ્બરની રાતે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.
અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં એકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે અન્ય કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પણ પહોંચી છે. અકસ્માતની આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
હાઇવે પર નિયમોની ઐસીતૈસી
નેશનલ હાઇવે પર પેસેન્જર ભરવા ગમે ત્યારે વાહનો થોભાવી દેવામાં આવે છે. જેને લઈને નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની લોકો દ્વારા માંગ ઉઠી છે. હાઇવે પર નિયમોની ઐસીતેસી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ આદિત્ય L1 એ સફળતાપૂર્વક ચોથી વખત બદલી કક્ષા, હવે 19 સપ્ટેમ્બરે અર્થ-બાઉન્ડ ફાયર