કચ્છ - સૌરાષ્ટ્ર

ગોંડલ નજીક SUV કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેનાં મોત

Text To Speech

રાજકોટઃ ગોંડલના ભુલાવા પાસે આજે વહેલી સવારે એસયુવી અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બેના મોત નીપજ્યાં છે. નવી નક્કોર ટાટા હેરિયર એસયુવી ટ્રક સાથે અથડાતા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલી યુવતીનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે મૃતક યુવક પરિવારનો એકનોએક દીકરો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલના ભુલાવા પાસે આજે વહેલી સવારે નવી નક્કોર કાર લઇને હર્ષ ભાલાળા એક યુવતી સાથે જઇ રહ્યો હતો ત્યારે તેની એસયુવી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હર્ષ ભાલાળાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલી યુવતીની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. મૃતક હર્ષ ભાલાળા રાજકોટમાં ન્યારી ડેમ સ્થિત કેફેમાં મેનેજર તરીકે જોબ કરી રહ્યો હતો.

ગોંડલ પાસે થયેલા અકસ્માતમાં ઘરના આધારસ્તંભ અને એકનાએક પુત્રનું નિધન થતાં માતા-પિતા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હર્ષ ભાલાળા નામના યુવક સાથે જે યુવતી હતી તેની ઓળખ મેળવવાની તજવીજ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button