વડોદરા- હાલોલ રોડ પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત, કારમાં સવાર દંપતિએ જીવ ગુમાવ્યો
વડોદરા, 03 ઓગસ્ટ 2024, ગુજરાતમાં હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એક સાથે પાંચ વાહનો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. આ બંને મૃતકો દંપતિ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે. આ અકસ્માતને કારણે રોડ પર ચારેક કિ.મી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે હાલોલ-વડોદરા ટોલ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અન્ય ત્રણ વાહનચાલકોને નાની-મોટી ઇજા પહોંચી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ ત્રણ રસ્તા પાસે પાંચેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં ઈક્કો કારનો ભૂક્કો બોલી ગયો હતો. જેમાં જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ડોડિયા અને તેની પત્ની ધર્મિષ્ઠાબેનનું મૃત્યુ થયું હતું. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. તેમજ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે. અકસ્માતમાં અન્ય ત્રણ વાહનચાલકોને નાની-મોટી ઇજા પહોંચી હતી.
અકસ્માતને કારણે ટ્રાફિક જામ થયો હતો
આ અંગે જરોદ PIએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં જરોદ ગામના દંપતિનું મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ લોકોને ઈજા થતાં જરોદ સીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થયો હતો જેને ક્લીયર કરવાનું કામ પોલીસે કર્યું હતું. કિયા ગાડીમાં એરબેગ ખુલી જતાં 6 લોકો બચી ગયા હતાં. બે લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતાં બંને ટ્રક પલટી ખાઈને પડતાં 3 વાહનો દબાયાં હતા. રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃવડોદરામાં CNG સપ્લાય કરતી ગાડીમાં ગેસ લિકેજ, થોડીવાર માટે રોડ બંધ કરવો પડ્યો