અમદાવાદ: ભારતમાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલે છે. ‘દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના ને લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે’ જેવી હાલત છે. ત્યારે સાણંદ સબ રજીસ્ટ્રારની કચેરીમાં એસીબીએ ટ્રેપ કરીને સબ રજીસ્ટ્રાર અને એક ખાનગી વ્યક્તિને રૂપિયા 11 લાખની લાંચના ગુનામાં ઝડપી લીધા છે. આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 18 લાખની લાંચની રકમ માંગી હતી અને રકઝકના અંતે રૂપિયા 11 લાખ આપવાનું નક્કી થયું હતું. જેની ફરિયાદ એસીબીને મળતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. આ ટ્રેપ કરવા માટે ACBના અધિકારીઓ વેશ પલટો કરીને સાણંદ સબ રજીસ્ટ્રારની કચેરી પર પહોંચ્યા હતા. જેમાં ACBના મદદનીશ નિયામક શ્રીમતિ દિવ્યા રવિયા જાડેજા અને તેમની ટીમ વકીલ બનીને પહોંચ્યા હતા. દિવ્યા રવિયા જાડેજા અને તેમની ટીમે સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સાણંદ સબ રજીસ્ટ્રારની કચેરીમાં ભીડની વચ્ચે નાણા લઈને પહોંચવાનું કઠિન કામ દિવ્યા રવિયા જાડેજા અને તેમની ટીમના એચ. બી. ચાવડા અને એ.કે.પરમારે સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા સરકારી કચેરીઓમાં અને એમાં પણ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે મહેસૂલ મંત્રી તેમજ એસીબી દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છતાં સરકારી વિભાગમાં કામ કરીને રાતોરાત કરોડપતિ બનવા માંગતા સરકારી બાબુઓએ જાણે કે ના સુધારવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. એસીબીના ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતું. જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને આ ગુનામાં આરોપી સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલે નોંધણી કરી છોડી આપેલ. આ સાથે એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી. એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂપિયા 18 લાખની લાંચની માગણી કરી હતી. રકજકના અંતે રૂપિયા 11 લાખ આપવાની નક્કી કરવામાં આવ્યુ હતુ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો તો.એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીના આ છટકામાં સબ રજીસ્ટ્રારના કહેવાથી ખાનગી વ્યક્તિ મોમીન રિઝવાન ગુલામ રસુલ રૂપિયા 11 લાખની લાંચ લેતા ઝડપાયેલ છે. આમ એસીબી દ્વારા હાલમાં આ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ ટાઉન પ્લાનર અને પ્લાનીંગ આસિટન્ટ લાંચ લેતા ઝડપાયેલા
થોડા સમય પહેલા ગાંધીનગર ટાઉન પ્લાનીંગની કચેરીના ટાઉન પ્લાનર અને પ્લાનીંગ આસીટન્ટને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા 15 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ટાઉન પ્લાનરે ફરિયાદીના શેરથામાં આવેલા બે પ્લોટની ફાઇનલ માપણીના બદલામાં લાંચની માંગણી કરી હતી. ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ કરી હતી કે, ગાંધીનગર શેરથા રોડ પર આવેલા બે પ્લોટ ફાઇનલ પઝેશન માટે કલેકટરે સોંપ્યા હતા. જેના ફાઇનલ માપ માટે ગાંધીનગરમાં આવેલી ટાઉન પ્લાનીંગની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે માપણી કરવા માટે ટાઉન પ્લાનર નયન મહેતા અને પ્લાનીંગ આસીટન્ટ સંજયકુમારે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.