ગુજરાતમાં 1 વર્ષમાં ACBએ 175 ભ્રષ્ટ અધિકારી- કર્મીઓ, 108 વચેટિયાને ઝડપ્યા
- રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના અનેક વિભાગો ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓ
- એસીબીએ ગુજરાતમાં કરેલા કેસોમાં કુલ 183 ટ્રેપ થઇ હતી
- લાંચિયાઓમાં 7 ક્લાસ વન અને 20 ક્લાસ – ટુ અધિકારીઓ પણ સામેલ
ગુજરાતમાં 1 વર્ષમાં ACBએ 175 ભ્રષ્ટ અધિકારી- કર્મીઓ, 108 વચેટિયાને ઝડપ્યા છે. ગૃહ વિભાગમાં સૌથી વધુ 66, શહેરી વિકાસમાં 20 અને શિક્ષણ વિભાગમાં 9 કેસ થયા છે. જેમાં શિક્ષણ વિભાગને પણ ભ્રષ્ટાચારીઓએ અભડાવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી, આ શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ
રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના અનેક વિભાગો ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓ
ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને પારદર્શક વહિવટ વચ્ચે રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના અનેક વિભાગો ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓથી ખદબદી રહ્યાં છે. જેમાં ગૃહ વિભાગથી લઈ પંચાયત, મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ – શહેરી ગૃહ નિર્માણ વિભાગનો પણ સમાવેશ થાય છે. લોકોને કામ માટે વારંવાર ધક્કા ખવડાવી અંતે લાંચની માંગણી કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના 175 ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓ ઉપરાંત વચેટિયાની ભૂમિકા ભજવતાં 108 ખાનગી વ્યક્તિઓને ગત વર્ષ 2023માં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પાડયા હતા. આ લાંચિયાઓમાં 7 ક્લાસ વન અને 20 ક્લાસ – ટુ અધિકારીઓ પણ સામેલ છે.
એસીબીએ ગુજરાતમાં કરેલા કેસોમાં કુલ 183 ટ્રેપ થઇ હતી
ઘણાં કિસ્સાઓમાં અધિકારી – કર્મચારીઓ પોતે જ કામના બદલામાં લાંચની માંગણી કરતાં હોય છે. જેમાં ઘણીવાર સામેની વ્યક્તિની પરિસ્થિતિ જોયા વગર લાંચની માંગણી કરાતી હોય છે. જેને લઈ નાછુટકે જે તે વ્યક્તિ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાંધી ફરિયાદ નોંધાવે છે, તેમ જણાવતાં એસીબીના અધિકારીએ કહ્યું હતું કે, વર્ષ 2023માં અમે રાજ્યમાં કુલ 205 કેસ કરી 283 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓએ કુલ 1,19,28,190 રૂપિયાની લાંચની માંગ કરી હતી. એસીબીએ ગૃહ વિભાગમાં સૌથી વધુ 66 કેસ કર્યા હતા. જ્યારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 37, મહેસુલ વિભાગમાં 25, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 20, શિક્ષણ વિભાગમાં 09 અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 12 કેસ કર્યા હતા. એસીબીએ ગુજરાતમાં કરેલા કેસોમાં કુલ 183 ટ્રેપ થઇ હતી. તેમજ અપ્રમાણસર મિલકતના 9, લાંચ માગવાના 2 અને ડીકોઇના 11 કેસ પણ કર્યા હતા.