અમદાવાદગુજરાત

અમદાવાદમાં સંદેશખાલી ઘટના મુદ્દે ABVPના દેખાવો, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

Text To Speech

અમદાવાદ,5 માર્ચ 2024, સંદેશખાલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો વિરુદ્ધ જમીન હડપવા અને જાતીય સતામણીના આરોપોને કારણે અશાંતિ ઊભી થઇ છે. આ ઘટનાને લઈને અમદાવાદમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી. શહેરમાં આજે સવારે સંદેશખાલી મુદ્દે ABVPના 500 જેટલા કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. તે ઉપરાંત તેમણે TMC MLA શેખ શાહજહાં કરે છે અત્યાચાર, સંદેશા ખાલીમાં થઈ રહી છે માનવતાની હત્યા જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.

મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળુ બાળ્યું
ABVPએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું બાળી TMC મુર્દાબાદ અને મમતા બેનર્જી મુર્દાબાદના નારા લગાવ્યા હતા.ABVP પ્રદેશ મંત્રી સમર્થ ભટે હમ દેખેંગે ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાં, તેમના કાર્યકર્તા સિબુ હજરા તેમજ ઉત્તમ સરદાર સહિતનાઓ મળીને સંદેશખાલીના સામાન્ય નાગરિકો,મહિલાઓ અને ખેડૂતો ઉપર જઘન્ય અપરાધો આચરી રહ્યા છે.શેખ શાહજહાં તથા તેમના કાર્યકર્તાઓ સાથે મળીને ગરીબ ખેડૂતોની જમીનો પચાવી કાયદાને નેવે મૂકી ત્યાં પોતાનો ફિશરિંગનો વ્યવસાયને વેગ આપે છે. ABVP એ આવા તમામ લોકોને ફાંસી આપવાની માંગણી કરી હતી.

એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
ABVPના કાર્યકરો જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાને પેટ્રોલ છાંટીને સળગાવી રહ્યાં હતાં ત્યારે આગ ભભૂકી ઊઠતાં ત્યાં ફરજ પર હાજર ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને ગળા અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. આ ઘટના બનતાં ગુજરાત યુનિવર્સિટીના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈને પોલીસ વાનમાં બેસાડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એબીવીપીના 15 જેટલા કાર્યકર્તાઓની તાત્કાલિક ધોરણે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃઅર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર હવે ભાજપના થયા, કેસરીયો ખેસ ધારણ કર્યો

Back to top button