
અમદાવાદ 22 જૂન 2025: આગામી 27મી જૂનના રોજ યોજાનારી ભવ્ય રથયાત્રાના દિવસે શાળાઓમાં રજા રદ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે.
ABVPનો રજા યથાવત રાખવા વિરોધ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આ નિર્ણય સામે વાંધો ઉઠાવતાં અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. ABVP એ સ્પષ્ટ કહ્યું છે કે, રથયાત્રા એ શહેરની ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વની પરંપરા છે જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો દર વર્ષે જોડાય છે. રજા રદ થતા અનેક વિદ્યાર્થી આ પવિત્ર યાત્રાને નિહાળી શકશે નહીં, જેની સાથે તેમની ધાર્મિક લાગણી જોડાયેલી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રજા રદથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ABVPએ રજા યથાવત રાખવા તેમજ શાળાઓમાં ફરજિયાત હાજરીથી મુક્તિ આપવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે.
શાળા સંચાલકો પણ નારાજ
આ ઉપરાંત, શહેરના અનેક શાળા સંચાલકો પણ સરકારના આ નિર્ણયથી નારાજ છે. તેમણે પણ રજૂઆત કરીને રથયાત્રાના દિવસે યોજાનાર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ જાહેર થતા જ વિવાદ, કયા નેતાઓ થયા નારાજ?












