ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

ફ્રાંસમાં ગર્ભપાત બંધારણીય અધિકાર બન્યો, સ્ત્રીઓને આ અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ!

  • સંસદમાં ગર્ભપાત બિલની તરફેણમાં 780 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 72 વોટ પડ્યા

પેરિસ, 5 માર્ચ: મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપનારો ફ્રાંસ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફ્રાન્સના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા અધિકાર જૂથોએ તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, તો ગર્ભપાત વિરોધી જૂથોએ તેની ટીકા કરી છે. ફ્રાન્સની સંસદના સંયુક્ત ગૃહમાં ગર્ભપાત અધિકારો સંબંધિત બિલની તરફેણમાં 780 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 72 વોટ પડ્યા. આ નિર્ણય પછી, ગર્ભપાત અધિકાર કાર્યકર્તાઓ સેન્ટ્રલ પેરિસમાં એકઠા થયા અને તેની પ્રશંસા કરી હતી.

 

સંસદના સ્પીકરે કહ્યું કે, “મને સંસદ પર ગર્વ છે, જેમાં અમારા મૂળભૂત કાયદામાં ગર્ભપાતનો અધિકાર સામેલ થયો છે. અમે આ પગલું ભરનાર પ્રથમ દેશ બની ગયા છીએ.” જ્યારે પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, “તેમણે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપવાનું વચન આપ્યું હતું. હવે તેમનું વચન પૂરું થયું છે.”

ફ્રાન્સની 80 ટકા વસ્તી ગર્ભપાતને આપે છે સમર્થન

અમેરિકા અને અન્ય દેશોની સરખામણીમાં ફ્રાંસમાં ગર્ભપાતના અધિકારો અંગે વધુ જાગૃતિ છે. મતદાન અનુસાર, ફ્રાંસના લગભગ 80 ટકા લોકોએ ગર્ભપાતનો કાયદાકીય અધિકાર આપવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિયલ એટલે આ બિલ પર મતદાન કરતાં પહેલાં કહ્યું હતું કે, “અમે તમામ મહિલાઓને સંદેશ મોકલી રહ્યા છીએ કે શરીર તમારું છે અને તેનું શું કરવું તે અન્ય કોઈ નક્કી કરશે નહીં.”

આ પહેલા ફ્રાંસની સંસદમાં બંધારણના અનુચ્છેદ 34માં સુધારો કરવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી. જેથી મહિલાઓને ગર્ભપાતના અધિકારની ખાતરી આપી શકાય. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં 1974ના કાયદાથી મહિલાઓને ગર્ભપાતનો કાયદેસર અધિકાર છે. જેની તે સમયે ટીકા થઈ હતી, પરંતુ 2022માં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાતના મહિલાઓના બંધારણીય અધિકારને માન્યતા આપતા રો Vs વેડના નિર્ણયને પલટાવવાના નિર્ણય બાદ સમગ્ર વિશ્વની નજર ફ્રાંસના આ પગલા પર હતી.

આ પણ જુઓ: મારા મિત્ર જયશંકરે પશ્ચિમની બોલતી બંધ કરી દીધી: રશિયા પણ વિદેશ મંત્રી પર ફિદા

Back to top button