ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કલમ 370 નાબૂદીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પીએમ મોદી સહિત કોણે શું કહ્યું?

  • કોર્ટે તેના ગહન શાણપણથી, એકતાના મૂળભૂત સારને મજબૂત બનાવ્યો છે- પીએમ મોદી
  • 370 નાબૂદ કર્યા પછી અલગતાવાદ અને પથ્થરમારો હવે ભૂતકાળની વાત છે- અમિત શાહ
  • અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિરાશ છીએ- ગુલામ નબી આઝાદ

નવી દિલ્હી, 11 ડિસેમ્બર:  સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતી વખતે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું સંચાલન ભારતના બંધારણ દ્વારા કરવામાં આવશે. કોર્ટે કહ્યું, સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ આર્ટિકલ 370 એક અસ્થાયી વ્યવસ્થા છે.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરને કહ્યું છે કે, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં અમારી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની ગજબની ઘોષણા છે. કોર્ટે તેના ગહન શાણપણથી, એકતાના મૂળભૂત સારને મજબૂત બનાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, કલમ 370 નાબૂદ કર્યા પછી ગરીબો અને વંચિતોના અધિકારો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, અલગતાવાદ અને પથ્થરમારો હવે ભૂતકાળની વાત છે. સમગ્ર પ્રદેશ હવે મધુર સંગીત અને સાંસ્કૃતિક પર્યટનથી ગુંજી ઉઠે છે. એકતાના બંધન મજબૂત થયા છે, અને ભારત સાથેની અખંડિતતા વધુ મજબૂત બની છે. તે ફરી એકવાર જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ છે જે હંમેશા આપણા રાષ્ટ્રનું હતું અને આગળ પણ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર જમ્મુ- કશ્મીર અને લદ્દાખમાં કાયમી શાંતિ સ્થાપવા અને પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભલે તે નવા પ્રોત્સાહનો સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનું હોય, અત્યાધુનિક શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું હોય, અથવા ગરીબોને કલ્યાણકારી લાભો સાથે સશક્ત બનાવવાનું હોય. અમે પ્રદેશ માટે અમારી તમામ શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી કલમ 370 પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35Aને નાબૂદ કરવાના નિર્ણય, તેની પ્રક્રિયા અને ઉદ્દેશ્યને યોગ્ય ઠેરવ્યો છે.

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિરાશ છીએ.

ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભારે નિરાશા મળી છે અને અફસોસ થયો છે. હું શરૂઆતથી કહી રહ્યો હતો કે આનો નિર્ણય માત્ર સંસદ અને સુપ્રીમ કોર્ટ જ કરી શકે છે. હવે કેન્દ્ર સરકારે તો કલમ 370 નાબૂદ કરી હતી. નવો કાયદો લાવી હતી. અમારી છેલ્લી આશા હતી સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરે અને તેનો ફેંસલો સંભળાવે. જ્યારે આજે આ ચુકાદો આવ્યો તેનાથી જમ્મુ-કશ્મીરના તમામ લોકો, પછી તે કશ્મીરના હોય કે જમ્મુના ખુશ નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કલમ 35A ને મહારાજા હરિસિંહે 1925, 1927 અને 1928 બનાવી હતી. જેમાં બહારના લોકો રાજ્યમાં આવીને નોકરી ના કરી શકે, જમીન ન ખરીદી શકે. જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે મહારાજાના તે નિર્ણયને આગળ વધારવામાં આવ્યો હતો. તે પણ ખતમ થઈ ગયો. તેનાથી રાજ્યની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થશે. જમીન મોંધી થશે. ભારતભરમાંથી લોકો અહીંયા આવશે. ભારતના તમામ મુસ્લિમોએ કહ્યું હતું કે કોર્ટનો નિર્ણય અમને માન્ય હશે. આવું જ બાબરી મસ્જિદના ચુકાદામાં પણ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતા પર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, નિરાશ પરંતુ હતાશ નથી. સંઘર્ષ ચાલુ રહેશે.

જોકે, બપોરે મોડા સુધી કોંગ્રેસ પક્ષ તરફથી કે તેના કોઈ દિગ્ગજ નેતા તરફથી સુપ્રીમ કોર્ટના આ મહત્ત્વના ચુકાદા અંગે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યા નહોતા. પરંતુ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મહારાજના પુત્ર અને કોંગ્રેસ નેતા કરણસિંહે ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, આ ચુકાદાથી જમ્મુ-કાશ્મીરના અમુક લોકો નારાજ થશે, પરંતુ તેમણે એ નિરાશા ખંખેરીને હવે આગામી ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવી જોઇએ.

આ પણ વાંચો, કલમ 370 નાબૂદી યોગ્ય, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કાશ્મીરમાં ચૂંટણી યોજવા SCનો નિર્દેશ

આ પણ વાંચોઃ કલમ 370 નાબૂદી: 5 ઓગસ્ટ 2019થી 11 ડિસેમ્બર, 2023

Back to top button