ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કલમ 370 નાબૂદી: 5 ઓગસ્ટ 2019થી 11 ડિસેમ્બર, 2023

નવી દિલ્હી, 11 ડિસેમ્બર:  સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની અસર નાબૂદ કરી, અને રાજ્યને બે ભાગો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે 370 નાબૂદ કર્યાના 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ પછી પાંચ જજની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાનો ફેંસલો સંભળાવ્યો છે.

370 કલમની નાબૂદી બાદ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ આપ્યા હતા આવા પ્રત્યાઘાત

2019ની 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે સંસદીય કાયદા દ્વારા કલમ 370 નાબૂદ કરી ત્યારબાદ દેશના કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના બે મુખ્ય સ્થાનિક પક્ષો નેશનલ કોન્ફરન્સ તથા પીડીપીએ કેન્દ્ર સરકારના પગલાને ગેરબંધારણીય અને જમ્મુ-કાશ્મીર પર આઘાત સમાન ગણાવ્યું હતું. જો કે, કેન્દ્ર સરકાર ત્રણ મુખ્ય પ્રધાનો ડૉ. ફારુક અબદુલ્લા, ઓમર અબ્દુલ્લા તથા મહેબુબા મુફ્તી સહિત રાજ્યના તમામ મુખ્ય નેતાઓને નજરબંધ કરી દીધા હોવાથી તથા સમગ્ર રાજ્યમાં પ્રતિબંધક આદેશો લાગુ કર્યા હોવાથી દેખાવો અને હિંસક ઘટનાઓ બની નહોતી. કોંગ્રેસ સહિત બાકીના રાષ્ટ્રીય અને સ્થાનિક રાજકીય પક્ષોએ પણ દેશના અલગ-અલગ રાજ્યોમાં કલમ 370ની નાબૂદી સામે દેખાવો કર્યા હતા.

કોંગ્રેસ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ સહિત રાજકીય પક્ષોએ ત્યારબાદ કેન્દ્ર સરકારના આ પગલાં વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેનો આજે ચુકાદો આવતા 370ની કલમની નાબૂદીનું પગલું યોગ્ય ઠેરવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો પરત આપવા સૂચના આપી છે. અને સાથે ચૂંટણી પંચની 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવા નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આ સાથે લદ્દાખને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કરવાના સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યું છે.

આ કેસમાં 2019થી અત્યાર સુધી શું-શું થયું, ચાલો જાણીએ તેની સંપૂર્ણ ટાઈમલાઈન…

  • ગૃહ મંત્રી અમિત શાહે 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું હતું.
  • 6 ઓગસ્ટ 2019 ના રોજ, આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તે પસાર થયું હતું.
  • ત્યારબાદ 9 ઓગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરાયો અને કલમ 370 નાબૂદ કરવામાં આવી. સરકારના આ નિર્ણય સામે સુર્પીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી.
  • 28 ઓગસ્ટ 2019મા રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જ્જની બેન્ચે રાષ્ટ્રપતિના આદેશની બંધારણીય યોગ્યતા પર દલીલો સાંભળવાનું શરૂ કર્યુ.
  • બે દિવસની ચર્ચા બાદ આ કેસને બંધારણીય કેસને મોકલવાનો નિર્ણય કર્યો.
  • માર્ચ 2020માં કેસને મોટી બંધારણીય બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો.
  • ત્યારબાદ છેક 3 જુલાઈ 2023માં કલમ 370 હટાવવાના નિર્ણયની સુનાવણી માટે નવી બંધારણીય બેંચની રચના કરી હતી.
  • ખંડપીઠે 2 ઓગસ્ટ 2023થી આ મામલે નિયમિત સુનાવણી કરવાનું કહ્યું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન એક અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
  • કલમ 370ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 2 ઓગસ્ટ 2023થી નિયમિત સુનાવણી થઈ, જે 5 સપ્ટેમ્બર 2023 સુધી ચાલુ રહી.
  • 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

હવે 96 દિવસ પછી સોમવારે એટલે કે 11 ડિસેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. જેમાં સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે.

આ પણ વાંચો: SCએ કલમ 370 નાબૂદી યોગ્ય ઠેરવી, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કાશ્મીરમાં ચૂંટણી યોજવા નિર્દેશ

Back to top button