8 છક્કા, 5 ચોગ્ગા અને રેકોર્ડ્સનો વરસાદ, અભિષેક શર્માનું શાનદાર પ્રદર્શન

નવી દિલ્હીઃ 21 જાન્યુઆરી, 2026: ભારતીય યુવા ઓપનર અને T20 ઇન્ટરનેશનલના નંબર-1 બેટ્સમેન અભિષેક શર્માએ ફરી એકવાર મેદાન પર પોતાની તાકાત બતાવી છે. બુધવારે (21 જાન્યુઆરી) નાગપુર ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં અભિષેકે કીવી બોલરોની ધજ્જિયા ઉડાવતા માત્ર 35 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
8 સિક્સર અને 5 ચોગ્ગાની રમઝટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને અભિષેકે આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે પોતાની 84 રનની ઈનિંગ દરમિયાન 8 ગગનચુંબી સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી લીધી હતી. જોકે, તે સદીથી 16 રન દૂર રહી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ન્યૂઝીલેન્ડને મોટું નુકસાન પહોંચાડી દીધું હતું.
T20 ક્રિકેટમાં 5000 રન પૂરા, બનાવ્યો અનોખો રેકોર્ડ
આ ઈનિંગ સાથે જ અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 5000 રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનારો 131મો ખેલાડી બન્યો છે. પરંતુ જે બાબત તેને સૌથી અલગ પાડે છે તે તેની બેટિંગની રફ્તાર છે. 5000 કે તેથી વધુ T20 રન બનાવનારા તમામ બેટ્સમેનોમાં અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ (172.54) સૌથી વધુ છે. અભિષેકે 165 ઈનિંગમાં આ મુકામ હાંસલ કર્યો અને તે 5000 T20 રન પૂરા કરનારો ચોથો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે.
5000 T20 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓ:
- 143 ઈનિંગ – કેએલ રાહુલ
- 145 ઈનિંગ – ઋતુરાજ ગાયકવાડ
- 154 ઈનિંગ – શુભમન ગિલ
- 165 ઈનિંગ – અભિષેક શર્મા
- 167 ઈનિંગ – વિરાટ કોહલી
પાવરપ્લેનો અસલી ડોન
અભિષેકની સૌથી મોટી તાકાત પાવરપ્લે (પ્રથમ 6 ઓવર) માં તેનો દબદબો છે. તેની કુલ T20 ઇન્ટરનેશનલ સિક્સરમાંથી 60 ટકાથી વધુ સિક્સર પાવરપ્લેમાં આવી છે. અભિષેક અત્યાર સુધી પાવરપ્લેમાં 49 સિક્સર ફટકારી ચૂક્યો છે, જે બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન (28 સિક્સર) કરતા ઘણી વધારે છે.
ફિફ્ટી ફટકારીને તોડ્યો સૂર્યકુમારનો વર્લ્ડ રેકોર્ડ
પોતાની સાતમી T20 આંતરરાષ્ટ્રીય ફિફ્ટી દરમિયાન તેણે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 25 બોલથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારવાનો આ તેનો 8મો પ્રસંગ હતો. આ સાથે તેણે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ, વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસ અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ (દરેકના નામે 7 ફિફ્ટી) ને પાછળ છોડી દીધા છે.











