શિવજીને પંચામૃતનો અભિષેક મનના વિકારોને દુર કરશેઃ બીજુ પણ છે મહત્ત્વ
- પંચામૃતનો પ્રયોગ કરવાની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે
- મનને નિર્મળ બનાવવા માટે દરેક પૂજામાં પંચામૃતનો ઉપયોગ કરાય છે
- શ્રાવણમાં ભગવાન શિવને પંચામૃત સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે
કામ, ક્રોઘ, લોભ, મોહ અને અહંકારના આ પાંચ વિકારોથી માણસને દુ:ખ થાય છે. પૂજા ત્યારે જ સફળ માનવામાં આવે છે જ્યારે વ્યક્તિ મનના વિકારોથી મુક્ત થઈને શુદ્ધ હૃદયથી ભગવાનની પૂજા કરે છે. મનને નિર્મળ બનાવવા માટે દરેક પૂજામાં પંચામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓના સ્નાનથી લઈને પ્રસાદના રૂપમાં પંચામૃતનો પ્રયોગ કરવાની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. સફળતા માટે ધર્મશાસ્ત્રમાં મનનું નિર્મળ અને બળવાન હોવું જરૂરી છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રનો સંબંધ માનવ મન અને સફેદ વસ્તુઓ સાથે છે. પંચામૃતમાં સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ વગેરે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે શિવલિંગને ચંદ્ર પ્રધાન દૂધ, દહીં , ખાંડ વગેરેથી સ્નાન કરાવવામાં આવે છે, તો વ્યક્તિના મનની અંદરની નકારાત્મક ઊર્જા સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી જ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજામાં રૂદ્રાભિષેકનું સૌથી વધુ મહત્વ છે. જ્યારે વ્યક્તિનું મન શુદ્ધ બને છે, ત્યારે શિવજીને પોતાના ભક્તો માટે પ્રેમ ઉત્પન્ન થાય છે. શિવજી અંતર્યામી છે. તેમની ઉપાસના જે ભક્તો સાચા મનથી તેમને શિવજી ચોક્કસપણે આશીર્વાદ આપે છે.
પંચ તત્વનો સમન્વય છે શિવની ઉપાસના
બ્રહ્માંડની રચના કરતી વખતે, ઇશ્વરે માનવીના ભૌતિક શરીરની રચના પોતાના સંપુર્ણ અંશમાંથી પાંચ તત્વોનું મિશ્રણ કરીને કરી છે. તેથી સુખ-શાંતિથી જીવન નિર્વાહ કરવા માટે મનુષ્યને પંચતત્વોના સમન્વયની જરૂર છે. પ્રાચીન સમયથી ઋષિ-મુનિઓ જાણતા હતા કે પંચતત્વના સમન્વય અને પંચામૃતના સેવનથી મનુષ્યની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે, જે રોગના ચેપને અટકાવી શકે છે. જો કોઈ કારણસર શરીરમાં કોઈ તત્વ નબળું પડી જાય તો શરીર અસ્વસ્થ બની જાય છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, પાણી, આકાશ આ પાંચ તત્વોમાં અસંતુલન કુદરતી આફતો સર્જે છે, માનવ શરીરમાં રહેલા પાંચ તત્વોમાં અસંતુલન થવાથી રોગો થાય છે અને મનના પાંચ વિકારોના કારણે વ્યક્તિ પીડાય છે. શ્રાવણ મહિનામાં જ્યારે લોકો શિવને પ્રકૃતિથી ઉત્પન્ન વસ્તુઓનું અર્પણ કરીને પૂજા કરે છે, તો પંચ તત્વ અને વાયુમંડળના સંતુલનની સાથે સાથે જીવનઉપયોગી ઉર્જા પણ પ્રાપ્ત થાય છે, જે વિશ્વ કલ્યાણ માટે પણ આવશ્યક છે.
શિવની પંચામૃત પૂજા છે ફળદાયી
દૂધ, દહીં, મધ, ઘી અને સાકર, આ પાંચેયને ભેળવીને પંચામૃત બનાવવામાં આવે છે. શ્રાવણમાં ભગવાન શિવને પંચામૃત સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે. પહેલા શિવલિંગ પર જળ ચઢાવો અને પછી દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ચઢાવો. દરેક વસ્તુ અર્પણ કર્યા પછી શિવલિંગને જળથી સ્નાન કરાવો. પૂજા દરમિયાન પંચાક્ષર અથવા ષડાક્ષર મંત્રનો પાઠ કરતા રહો. શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જેમ કે, ધન માટે પંચામૃત સ્નાન, સંતાન માટે ગાયના દૂધનો અભિષેક, મકાન, વાહન, ધન માટે દહીં. ધનની પ્રાપ્તિ, દુ:ખ અને કષ્ટોના નિવારણ માટે મધ અને રોગમાંથી મુક્તિ મેળવવા, કલ્યાણ તેમજ મોક્ષ માટે ઘી સાથે, બૌદ્ધિક ક્ષમતા વધારવા અને સર્વના કલ્યાણ માટે સાકર મિશ્રિત પાણીથી અભિષેક કરવો જોઈએ. શિવને પંચામૃતથી સ્નાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચોઃ હાર્ટ એટેકથી બચોઃ જિમમાં વર્કઆઉટ કરતા હો તો રાખો હ્રદયનું ધ્યાન