બાળકીને કારમાં લઇ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા
સુરતમાં રાત્રે ખજોદ ખાતે એક કાર ડમ્પર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીની હાલત ખૂબ જ ગંભીર હતી. જેને પોતાની જ દીકરી હોય તેમ બે પોલીસ કર્મચારીઓએ હોસ્પિટલ સુધી પહોંચાડી તેનો જીવ બચાવી લીધો હતો. બાળકીની સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના તબીબે તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો થોડું પણ મોડું થયું હોત તો આ બાળકી બચી શકી ન હોત. તો અકસ્માતમાં દીકરીની માતાનું ઘટનાસ્થળે મોત જ્યારે અન્ય યુવક ઇન્દ્રજિત ટેલરનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તો મૃતક ઇન્દ્રજિત ટેલરના પુત્રએ કારચાલક અમિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હવે ઓન ધ સ્પોટ મળશે ન્યાય
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા ખૂબ જ અગત્યની બાબત પર નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી બે માસમાં જૂના કેસોને ચોક્કસ તારીખ આપીને તેની પર સુનાવણી હાથ ધરાશે. આવા કુલ 13,988 કેસ શોધવામાં આવ્યા છે. જેની આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં આપવામાં આવી છે. આ તમામ કેસ ત્રણ તબક્કામાં ડિવાઇડ કર્યા છે. જેમાં 5 વર્ષથી ઓછા સમયના, 5થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતા વધુ જૂના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ નવી વ્યવસ્થા મુજબ હવે દરેક પડતર કેસની આગામી લિસ્ટિંગની તારીખ ફરિજિયાતપણે આપવામાં આવશે. જો તારીખ ફાળવવાની રહી જાય તો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ તેવા કેસોમાં ઓટોમેટિક નવી તારીખ આપશે. જૂના કેસોને પ્રાથમિકતા આપવા તેને ત્રણ ભાગમાં વિભાજીત કરાયા છે. જે મુજબ 10 વર્ષથી જૂના કેસોને અત્યંત જૂના કેસ ગણવામાં આવશે. 5થી 10 વર્ષ સુધીના કેસોને જૂના કેસો તરીકે ગણવામાં આવશે. જ્યારે 5 વર્ષ સુધીના કસોને બહુ જૂના નહીં તેવા કેસ ગણવામાં આવશે.
હવે લાઇસન્સ વગર વાહન ચલાવ્યું તો દંડ ભરવા તૈયાર રહો
તથ્ય પટેલે કરેલ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા તથા અનેક વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ જપ્ત કરેલ વાહન RTOમાં જમા થયા હતા, જેની પાસેથી RTO દ્વારા દંડ લેવામાં આવ્યો હતો. માત્ર એક મહિનામાં 1442 વાહન ચાલકો પાસેથી 47.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે,તથ્ય પટેલના અકસ્માત બાદ અમદાવાદ પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, લાયસન્સ વિના વાહન ચલાવવું, વાહન ચલાવતા કાગળ ન હોવા સહિતના અલગ અલગ ગુનામાં વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરેલ વાહનચાલક સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેશભરના તબીબોના વિરોધ બાદ NMCનો નિર્ણય
દેશભરના ડૉક્ટરને ફરજિયાત જેનેરિક દવાઓ લખી આપવાનો નિર્ણય નેશનલ મેડિકલ કમિશને મોકૂફ રાખ્યો છે. સાથે જ તબીબોને ફાર્મા કંપનીઓ પાસેથી ગિફ્ટ સ્વીકારવાની મનાઈ ફરમાવતો આદેશ પણ હાલપૂરતો રદ કરાયો છે. એનએમસીએ ગત 2 ઓગસ્ટના રોજ જારી કરાયેલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર રેગ્યુલેશન્સ, 2023 હેઠળ આ નિયંત્રણો જાહેર કર્યા હતા. જે મુજબ ડૉક્ટર્સને ચોક્કસ બ્રાન્ડની જ દવાનો આગ્રહ રાખવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.મહત્વનું છે કે,એનએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને ઇન્ડિયન ફાર્માસ્યુટીકલ અલાયન્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગત સોમવારે આઇએમએ અને આઇપીએના પ્રતિનિધિઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. એનએમસીએ અગાઉ જણાવ્યું હતું કે તમામ ડૉક્ટર્સે જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની રહેશે. આમ નહીં કરનાર તબીબ સામે લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ડૉક્ટરોને બ્રાન્ડેડ દવાઓ લખવાની પણ મનાઈ કરાઈ હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ LRD બોગસ નિમણુંકપત્ર કાંડમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આજ રોજ પોલીસે ત્રણેય આરોપીઓનાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે આ જ કેસમાં સંડોવાયેલ અન્ય મહિલા સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,LRD ભરતીમાં નાપાસ થયેલા 29 ઉમેદવારો પાસેથી રૂપિયા ચારથી પાંચ લાખ મેળવી પ્રથમ 19 તારીખના રોજ રાજકોટ ખાતે ટ્રાયલ માટે એક ઉમેદવારને તાલીમ માટે મોકલ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે અહીંયા જ ખોટા નિમણુંક પત્રનો ભાંડો ફૂટી જતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ઉમેદવાર તેમજ બોગસ લેટર બનાવનાર તેના માસા અને તેના ભાઈની ધરપકડ કરી કર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આજ રોજ પ્રદીપ ભરતભાઈ મકવાણા, ભાવેશભાઈ ગોબરભાઇ ચાવડા અને તેના ભાઇ બાલાભાઈ ગોબરભાઇ ચાવડાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઢોરનો ઉપદ્રવ દૂર કરવા સરકારની નવી માર્ગરેખા
રસ્તે રઝળતાં ઢોરના ઉપદ્રવ અંગે હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા પછી આખરે સરકારે શહેરી વિસ્તારોમાં આ ઉપદ્રવને નાથવા માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ કોઈ પણ વ્યક્તિ શહેરમાં જાહેર સ્થળ, રોડ કે ફૂટપાથ પર ઘાસનું વેચાણ કરી શકશે નહીં. સરકાર ‘ફ્રેન્ડ્ઝ ઓફ કેટલ’ યોજના લાવશે. જેમાં લોકો સિટી સિવિક સેન્ટર પર જઈ ઘાસચારાના પૈસા જમા કરાવી શકશે અને પાલિકા કે મહાપાલિકા આ પૈસાનું ઘાસ પશુને ખવડાવશે.આ ઉપરાંત ઘાસનું વેચાણ કરતી વ્યક્તિ કે સંસ્થાએ ઘાસ ક્યાંથી લાવ્યા, કોને વેચ્યું તેનું રજિસ્ટર રાખવું પડશે. ટ્રાન્સપોર્ટેશનનો સમય અને ખર્ચ ઘટાડવા શહેરોમાં ઝોનવાર ઢોરની સંખ્યાને આધારે પ્રત્યેક ઝોનમાં આધુનિક અને સ્માર્ટ ‘કેટલ પોન્ડ’ બનાવાશે.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’માં ગુજરાતી ફિલ્મો ઝળકી
ગુરુવારે 69મા ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ની જાહેરાત થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર વિજેતાઓની જાહેરાત કરી રહ્યા છે. સરદાર ઉધમ સિંહે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ‘ચાર્લી 777’ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.હંમેશાંની જેમ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત ઘણી શ્રેણીઓમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા હતા. આ વખતે બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો છે.ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝિંગ’એ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 332 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં પુષ્પા નામના મજૂરનું જીવન બતાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી લાઇન ઉપરાંત અલ્લુ અર્જુનની વ્યક્તિત્વ, પાત્ર અને ફિલ્મનાં ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યાં હતાં.મહત્વનું છે કે,નેશનલ ફિલ્મ એવોર્ડ દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. એની શરૂઆત 1954માં થઈ હતી. મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઈ’ને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સમારોહનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે.