ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સૌથી વધુ ક્રાઈમ રેકોર્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવામાં AAPએ બાજી મારી, પછી કોંગ્રેસ અને ભાજપના
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બરે મતદાન થશે. પહેલા તબક્કામાં 89 સીટ પર ચૂંટણી લડનાર 788 ઉમેદવારમાંથી 167 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૌથી વધુ છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) તરફથી ગુરુવારે રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે AAPના 32 ઉમેદવાર સામે વિવિધ ક્રાઈમ કેસ નોંધાયેલા છે. બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજા નંબરે ભાજપ છે.
ગુનાકિય ઈતિહાસ ધરાવતા 167 ઉમેદવારમાંથી 100 વિરૂદ્ધ હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપ છે. આ સાથે જ કુલ ઉમેદવારમાંથી 21 ટકા ગુનાકિય મામલા જ્યારે 13 ટકા વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
AAPના 36 ટકા ઉમેદવાર સામે છે ક્રાઈમ રેકોર્ડ
ADRના રિપોર્ટ મુજબ પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકમાંથી આમ આદમી પાર્ટીના કુલ 88 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 36 ટકા ઉમેદવાર સામે કોઈને કોઈ ક્રાઈમ કેસ નોંધાયેલા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી AAPના 30 ટકા ઉમેદવાર હત્યા, બળાત્કાર, હુમલો, અપહરણ જેવાં ગંભીર કેસનો સામનો કરી રહ્યાં છે. આપ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારેલા ગુનાકિય રેકોર્ડ ધરાવતા ઉમેદવારની સંખ્યા 32 છે. પરેશાન કરનારી વાત એવી છે કે આ પાર્ટી રાજ્યમાં સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવાનો વાયદો કરતા પ્રચાર કરી રહી છે.
35 ટકા ગુનાહિત ઈતિહાસવાળા ઉમેદવારની યાદીમાં કોંગ્રેસ બીજા નંબરે
આપ બાદ સૌથી વધુ ગુનાકિય ઉમેદવારી પાર્ટી કોંગ્રેસ છે. તેમના 35 ટકા ઉમેદવાર વિરૂદ્ધ ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી 20 ટકા ઉમેદવાર સામે ગંભીર કેસ ચાલી રહ્યાં છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સૌથી જૂની પાર્ટી પહેલા તબક્કામાં તમામ 89 સીટ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના ગુનાકિય ઈતિહાસ ધરાવતા ઉમેદવારની સંખ્યા 31 છે.
પ્રથમ તબક્કામાં ભાજપના 16 ટકા ઉમેદવાર ક્રાઈમ રેકોર્ડવાળા
તો સત્તારુઢ ભાજપ પણ પ્રથમ તબક્કામાં તમામ બેઠક પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ ગુનાકિય રેકોર્ડવાળા 14 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ADRએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ક્રાઈમ રેકોર્ડવાળા ઉમેદવારની સંખ્યા 16 ટકા છે, જ્યારે 12 ટકા ઉમેદવાર વિરુદ્ધ ગંભીર ગુનાઓ દાખલ છે.
BTPના 14 ઉમેદવાર મેદાનમાં, 29 ટકા સામે ક્રાઈમ રેકોર્ડ
ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના 14 ટકા ઉમેદવાર પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહ્યાં છે. જેમાંથી 4 ઉમેદવાર એટલે કે 29 ટકા સામે ક્રાઈમ રેકોર્ડ છે. જેના સાત ટકા ઉમેદવાર સામે ગંભીર ગુનાઓ દાખલ છે.
2017ની ચૂંટણીના ફર્સ્ટ ફેઝમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર 15 ટકા હતા
ADRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં ચૂંટણી લડનારાઓમાંથી 15 ટકા ક્રાઈમ રેકોર્ડ ધરાવતા હતા જ્યારે 8 ટકા ઉમેદવાર સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હતા.
ગંભીર ગુનાઓવાળા ઉમેદવાર કેટલા?
પ્રથમ તબક્કામાં 167 ઉમેદવારમા3થી 100એ ચૂંટણી પંચને જે સોગંદનામું સોંપ્યું છે તેમાં તેમના વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલ છે. જેમાં મહિલા વિરુદ્ધના 9 ગુનાઓ, હત્યાના ત્રણ કેસ અને હત્યાના પ્રયાસના 12 કેસ સામેલ છે. મર્ડરને લગતા ગુનાઓની વાત કરીએ તો કુલ 3 ઉમેદવાર સામે IPC-302 મુજબના ગુનાઓ દાખલ છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ છે.
2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં એવા 78 ઉમેદવાર મેદાનમાં હતા. છેલ્લે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કોંગ્રેસના 36, ભાજપના 25 અને BTPના 67 ઉમેદવાર સામે કેસ હતા.
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન શું છે?
સુપ્રીમ કોર્ટે 25 સપ્ટેમ્બર, 2018નાં રોજ આદેશ જાહેર કર્યા હતા કે તમામ રાજકીય પક્ષોએ લાંબા સમયથી જેમની સામે ગુનાઓ નોંધાયેલા હોય એવા ઉમેદવારની પસંદગી શા કારણે કરાઈ તે અંગેની જાણકારી વેબસાઈટ પર અપલોડ કરવી જરૂરી છે. આ સાથે જ જાણકારીને એક સ્થાનિક અને એક રાષ્ટ્રીય દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા તેમજ ઓફિશિયલ સોશિયલ મીડિયા મંચ પર પણ અપલોડ કરવા અનિવાર્ય છે.