ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સીએમ કેજરીવાલના રાજીનામાને લઇ AAP લેશે જનતાનો અભિપ્રાય

  • અરવિંદ કેજરીવાલના રાજીનામા અંગે આમ આદમી પાર્ટી જનતાનો અભિપ્રાય જાણશે.
  • પાર્ટીના કાર્યકરો જનતાની વચ્ચે જઈને ડોર-ટુ-ડોર સર્વે કરશે.

નવી દિલ્હી, 30 નવેમ્બર: દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલનું નામ આવતાં આમ આદમી પાર્ટી નવી યુક્તિ રમવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી હવે આ અંગે જનતાની વચ્ચે જવાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જો સીએમ અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં પકડાય છે તો તેમને રાજીનામું આપવું જોઈએ કે નહી, તે નક્કી કરવા માટે જનતાનો અભિપ્રાય જાણશે. આ માટે પાર્ટી ડોર-ટુ-ડોર સર્વે કરવા માટે અભિયાન ચલાવશે. આ સર્વે 1લી ડિસેમ્બર શુક્રવારથી શરૂ થશે. જેમાં પાર્ટીના કાર્યકરો જનતાની વચમાં જશે અને તેમનો અભિપ્રાય જાણશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે આમ આદમી પાર્ટીએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગુરુવારે કહ્યું હતું કે, તેમની પાર્ટી 1 થી 20 ડિસેમ્બરની વચ્ચે હસ્તાક્ષર અભિયાન ચલાવશે. આ અંતર્ગત આમ આદમી પાર્ટી દિલ્હીની જનતાની પ્રતિક્રિયા લેશે કે કેજરીવાલે ભાજપના કાવતરા હેઠળ ધરપકડ કરવામાં આવે તો દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ કે કેમ.

દિલ્હીના તમામ મતદાન મથકો પર અભિયાન ચલાવવામાં આવશે

આમ આદમી પાર્ટી 1લીથી 20મી ડિસેમ્બર સુધી આ અભિયાન ચલાવશે. આપએ વધુમાં કહ્યું કે, આ અભિયાન દિલ્હીના તમામ મતદાન મથક વિસ્તારોમાં ચલાવવામાં આવશે. આ માટે એક પેમ્ફલેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીએ આપને ખતમ કરવાની આશામાં કેજરીવાલને “નકલી” દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગોપાલ રાય પાર્ટી સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, શુક્રવારથી “મૈં ભી કેજરીવાલ” અભિયાન હેઠળ પાર્ટીના સ્વયંસેવકો દિલ્હીના તમામ 2,600 મતદાન મથકોની મુલાકાત કરશે અને લોકોની સહીઓ લેશે તેમજ તેમના અભિપ્રાય પૂછશે કે,સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે તો શું તેમણે મુખ્યમંત્રીનું પદ છોડી દેવું જોઈએ ?

ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો

આ પહેલા પાર્ટીએ પોતાના ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ પાસેથી આ અંગે અભિપ્રાય લીધો છે. જેમાં બધાએ એક અવાજે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે રાજીનામું ન આપવું જોઈએ. ધરપકડ થાય તો જેલમાંથી જ સરકાર ચલાવવી જોઈએ.

મંત્રી ગોપાલરાયે જણાવ્યું હતું કે, પાર્ટી 21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન દિલ્હીના તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાન ચલાવશે. જેમાં તમામ વોર્ડના લોકોને બોલાવવામાં આવશે. આ બેઠકમાં આપના તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરો પણ ભાગ લેશે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં લોકોને કથિત દારૂ કૌભાંડ તેમજ કેજરીવાલની ધરપકડ કરવાના બીજેપીના કાવતરા વિશે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો, થાઈરોઈડને કન્ટ્રોલ કરવા આ ફુડ કરો ડાયટમાં સામેલ

Back to top button