ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબ-ચંડીગઢની તમામ લોકસભા બેઠકો પર આપ એકલા હાથે લડશે ચૂંટણી

  • લોકસભા ચૂંટણી પહેલાં ઈન્ડી ગઠબંધનને વધુ એક ફટકો
  • પંજાબમાં AAP એકલા હાથે લડશે ચૂંટણી, કેજરીવાલે કરી જાહેરાત

પંજાબ, 10 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડી ગઠબંધન વિખેરાતું જોવા મળી રહ્યું છે. બિહાર સીએમ નીતીશકુમાર બાદ કેજરીવાલ પણ ઈન્ડી ગઠબંધનના વિરોધમાં ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દિલ્હી સીએમ કેજરીવાલ સતત પંજાબના પ્રવાસો કરી રહ્યા છે. ત્યારે આજે પંજાબના પ્રવાસ દરમિયાન કેજરીવાલ અને પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલે જાહેરાત કરી છે કે પાર્ટી રાજ્યની તમામ બેઠકો પર લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારો ઊભા કરશે.

શનિવારે પંજાબના ખન્નામાં પોતાના ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી પંજાબની 13 અને ચંદીગઢની એક લોકસભા બેઠક સહિત 14 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરશે.

15 દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘બે વર્ષ પહેલા તમે અમને ખૂબ ‘આશીર્વાદ’ આપ્યા હતા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં 117માંથી 92 સીટો જીતી હતી. આજે હું તમારી પાસેથી હાથ જોડીને બીજા આશીર્વાદ માંગવા આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી આવે છે. લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 અને ચંદીગઢમાં એક સીટ છે. આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.

 

તમે અમારા હાથ જેટલા મજબૂત કરશો એટલું વધુ કામ અમે કરીશું: કેજરીવાલ

આગળ, સીએમ અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે વોટ માંગતી વખતે કહ્યું, ‘હવે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ 14 લોકસભા સીટો આમ આદમી પાર્ટીને જીતાડો, જેમ તમે મને 2 વર્ષ પહેલા આશીર્વાદ આપ્યા હતા, તેમ ફરી એક વાર પ્રચંડ બહુમતી સાથે આમ આદમી પાર્ટીને 14 બેઠકો જીતાડો. તમે અમારા હાથ જેટલા મજબૂત કરશો, તેટલી તાકાતથી અમે કામ કરીશું. જીવનભર તમારી સેવા કરીશ.’

ઈન્ડી ગઠબંધન અને કોંગ્રેસની સમસ્યાઓ

એક પછી એક રાજ્યમાં ઈન્ડી ગઠબંધન માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓનું આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણી પહેલા તૂટતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, બિહારમાં નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં 16 સીટોની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ ઈન્ડી ગઠબંધનની યાદી નથી, ગઠબંધનની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: જયંત ચૌધરીના જવાથી અમને કોઈ ફેર નહીં પડે, સપાની સાફ વાત

Back to top button