ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં AAPને મોટો ફટકો! સ્પીકર રામ નિવાસ ગોયલે ચૂંટણી રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

  • રામ નિવાસ ગોયલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખ્યો પત્ર

નવી દિલ્હી, 5 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય રામ નિવાસ ગોયલે આજે ગુરુવારે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં રામ નિવાસ ગોયલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને કહ્યું છે કે, તેઓ હવે તેમની ઉંમરને કારણે ચૂંટણીની રાજનીતિથી દૂર રહેવાનું પસંદ કરશે પરંતુ પાર્ટીની સેવા કરતા રહેશે.

 

કેજરીવાલને લખેલા પત્રમાં શું કહ્યું?

પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં રામ નિવાસ ગોયલે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી શહાદરા વિધાનસભાના ધારાસભ્ય અને સ્પીકર તરીકે મેં મારી ફરજો અસરકારક રીતે નિભાવી છે. તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે, જેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે, આ માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. મારી ઉંમરને કારણે હું ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગુ છું. હું તમને ખાતરી આપું છું કે હું મારા તન, મન અને ધનથી આમ આદમી પાર્ટીની સેવા કરતો રહીશ. તમે મને જે પણ જવાબદારી સોંપશો તે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ.

ફેબ્રુઆરી 2015થી સ્પીકર છે રામ નિવાસ ગોયલ 

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં 76 વર્ષીય રામ નિવાસ ગોયલે પાર્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમની આગામી જવાબદારી માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, રામ નિવાસ ગોયલ શહાદરાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેઓ ફેબ્રુઆરી 2015થી સતત દિલ્હીના સ્પીકર છે.

કેજરીવાલે સ્પીકરના કર્યા વખાણ 

સ્પીકરના પત્રના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રામ નિવાસ ગોયલનો ચૂંટણી રાજકારણમાંથી દૂર રહેવાનો નિર્ણય અમારા બધા માટે ભાવનાત્મક ક્ષણ છે. તેમના માર્ગદર્શને અમને ગૃહની અંદર અને બહાર વર્ષોથી સાચી દિશા બતાવી છે. તેમની વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે તેમના આ નિર્ણયનું સન્માન કરીએ છીએ. ગોયલ સાહેબ અમારા પરિવારના સંરક્ષક હતા, છે અને રહેશે. પાર્ટીને ભવિષ્યમાં પણ તેમના અનુભવ અને સેવાઓની હંમેશા જરૂર રહેશે.

આ પણ જૂઓ: PM મોદી અને અદાણી અલગ નથી, એક જ છે: સંસદ પરિસરમાં રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન

Back to top button