ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા AAP એલર્ટ, કાઉન્સિલરોને રિસોર્ટ મોકલી દિધા
- ચંદીગઢમાં મેયર પદ માટે 18 જાન્યુઆરીએ ચૂંટણી, 13 જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
ચંદીગઢ, 12 જાન્યુઆરી: ચંદીગઢમાં મેયર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, આથી આ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં ચૂંટણીની મોસમ દરમિયાન આમ આદમી પાર્ટીના એક કાઉન્સિલર ભાજપમાં જોડાયા હતા. આ બનાવ પછી AAPની ઊંઘ ઊડી ગઈ છે અને પાર્ટીએ તેના 12 કાઉન્સિલરોને ચૂંટણી પહેલાં પંજાબના એક રિસોર્ટમાં ફરવા મોકલી દિધા છે. જ્યારે બાકી રહેલા કાઉન્સિલરોને પણ AAP બહાર ફરવા મોકલી શકે છે. પંજાબના રિસોર્ટમાં રહેલ કાઉન્સિલરો પંજાબ સરકારની દેખરેખ હેઠળ છે.
18મીએ મેયર પદ માટે ચૂંટણી
ચંદીગઢમાં મેયર પદ માટે 18 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. આ માટે 13 જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. શહેરના મેયર સહિત ડેપ્યુટી મેયરની જગ્યા એક વર્ષ માટે હોય છે. હાલમાં ભાજપના અનૂપ ગુપ્તા અહીંના મેયર છે જેમનો કાર્યકાળ 17 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.
પક્ષપલટાનો AAPને ભય
બુધવારે ચંદીગઢના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર લખબીર સિંહ બિલ્લુ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે લખબીર સિંહ વોર્ડ નંબર 31ના કાઉન્સિલર છે. આવી સ્થિતિમાં AAPને ડર છે કે પાર્ટીના વધુ કાઉન્સિલરો પક્ષપલટો કરી શકે છે. આ સાથે પાર્ટીમાં કોંગ્રેસના 6 કાઉન્સિલરો પણ આવે તેવી શક્યતા છે. તેથી પાર્ટીએ તેના કાઉન્સિલરોને પંજાબ શિફ્ટ કર્યા છે.
મેયરની ચૂંટણીનું ગણિત સમજો
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કુલ 35 કાઉન્સિલરો મતદાન કરશે. હાલમાં ભાજપ પાસે 15 કાઉન્સિલરો અને એક સાંસદના મત છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી પાસે 14 કાઉન્સિલર હતા, જેમાંથી એક ઓછો થયો છે. જ્યારે કોંગ્રેસ પાસે 6 કાઉન્સિલર છે, તો અકાલી દળ પાસે 1 કાઉન્સિલર છે. બહુમતી માટે 18 મતોની જરૂર હોય છે, જેમાં ભાજપ પાસે સૌથી વધુ 16 મત છે.
આ પણ વાંચો: યુપી રાજકારણ: માયાવતીને મનાવવા અખિલેશ યાદવે લગાવી તાકાત