આપએ સ્ટિંગ ઓપરેશનનો વિડીયો રજુ કરીને ભાજપના ભ્રષ્ટાચારી કોર્પોરેટરની ખોલી પોલ
સુરત: આમ આદમી પાર્ટીએ પ્રેસ સમક્ષ એક સ્ટિંગ ઓપરેશનનો વિડીયો રજૂ કર્યો છે. આ સ્ટિંગ ઓપરેશન મુદ્દે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાના ભાજપના એક મહિલા કાઉન્સિલર વૈશાલીબેન પાટીલ (વોર્ડ નંબર 29) તથા તેમના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ અને ભરતભાઇ (મળતીયા)એ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે એક કાઉન્સિલર દીઠ 40000 રૂપિયા અને ચાર કાઉન્સિલર (વૈશાલીબેન પાટીલ, સુધાબેન પાંડે, બંશુભાઈ યાદવ અને કનુભાઈ પટેલ)ના કુલ 160000 રૂપિયાના રાઉન્ડ ફિગરમાં એક લાખ પચાસ હજાર રૂપિયા માંગ્યા છે. એ લોકોએ એમ પણ જણાવ્યું છે કે પાલિકાના અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે. ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ સ્ટીંગ ઓપરેશનમાં કોઈ અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. સુરતની જનતાએ અને સાથે સાથે ગુજરાત અને દેશની જનતાએ સમજવાની જરૂર છે કે તમે જેમને ચૂંટીને મોકલો છો, તેઓ સુવિધાના કામને પ્રાથમિકતા આપવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરવાના કામને પ્રાથમિક આપે છે.
ભાજપના કાઉન્સિલર ઉપર હજી કેમ કોઈ પ્રકારના પગલાં લેવાયા નથી?
આ ઘટનામાં જે પીડિત વ્યક્તિ છે તેઓએ થોડા સમય પહેલા અમારી સમક્ષ આ બાબતની વ્યથા રજૂ કરી હતી. તેમણે તારીખ 5 એપ્રિલ 2023ના રોજ અમદાવાદ એસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી. લેખિતમાં ફરિયાદ કરવાને આજે અઢી મહિનાનો સમય થઈ ગયો, તો પણ કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. ગુજરાતની ભાજપ સરકાર અને એસીબી સમક્ષ અમારી માંગણી છે અને ગુજરાત પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આટલા મજબૂત પુરાવા હોવા છતાં ભાજપના કાઉન્સિલર ઉપર કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી, તો આ બાબતની તપાસ થવી જોઈએ. અમે પીડિત વ્યક્તિનું નામ નહીં જણાવી શકીએ. જો એસીબી ધારે તો એમનું નામ જાહેર કરી શકે અથવા તો ગુપ્ત રાહે પણ તપાસ કરી શકે છે અને જે પણ લોકો આમાં આરોપી છે તેમની ઉપર કાર્યવાહી પણ કરી શકે છે.
એસીબી સમક્ષ માંગણી; તમામ આરોપોની તપાસ કરો: આપ
અમે કોઈના પર કોઈ આરોપ નથી મુકતા પરંતુ અમે એસીબી સમક્ષ માંગણી કરીએ છીએ કે આ તમામ આરોપોની તપાસ થાય અને એસઆઇટીની રચના કરીને તપાસ કરીને જે પણ લોકો ગુનેગાર છે તેમને જેલમાં મોકલવામાં આવે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને જરા પણ સહન કરતી નથી. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પોતાના મંત્રીઓ ઉપર પણ કાયદાકીય કાર્યવાહીઓ કરી છે.
એસીબીએ એક વખત એક છટકું ગોઠવ્યું હતું. પરંતુ મહિલા કાઉન્સિલર અને તેમના મળતીયા ભરતભાઈ એ સમયે આવ્યા નહીં. તો મારો સવાલ એ પણ છે કે એસીબીએ છટકું ગોઠવ્યું છે તેની જાણ આ લોકોને કઈ રીતે થઈ? આમ આદમી પાર્ટીના કે વિપક્ષના કોઈ નેતા કોઈ સામાન્ય વાત કરે તો પણ તેમના ઉપર ફરિયાદ થઈ જાય છે, તો આ લોકો પર અત્યાર સુધી તપાસ કેમ નથી થઈ? આ બાબતમાં ફરિયાદીને એક વખત જવાબ લખવા માટે પણ બોલાવ્યા હતા. ગયા મહિનાની 4 તારીખે તેમણે પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીડિયોમાં લાલ કલરનો શર્ટમાં કાઉન્સિલરના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ છે તથા જે બેન દેખાય છે તે વોર્ડ નંબર 29ના ભાજપના કાઉન્સિલર વૈશાલીબેન પાટીલ છે. ટીશર્ટમાં દેખાતા વ્યક્તિ ભરતભાઈ પટેલ છે, જે તેમના મળતીયાના રૂપે કામ કરે છે.
-
સ્ટિંગ ઓપરેશનનો વિડીયો રજુ કરીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોર્પોરેટર દ્વારા નાણાની માંગણી કરવામાં આવી છે. એસીબીમાં ફરિયાદ થઈ છે અને એસીબીએ છટકું ગોઠવ્યું તો એની માહિતી પણ તે લોકોને પહોંચી ગઈ છે. એનો મતલબ એમ છે કે સિસ્ટમ ફૂટેલી છે. એસીબીને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પણ એસીબીએ કોઈ કાર્યવાહી નથી કરી. એનો મતલબ એવું ગણી શકાય કે સુરતના કોઈ મોટા નેતાએ એસીબી પર કોઈ દબાણ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
વારંવાર આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાની કોશિશ કરવામાં આવે છે અને તેઓ લાલચ આપે છે કે આમ આદમી પાર્ટીમાં રહીને ભ્રષ્ટાચાર નહીં કરી શકો તો ભાજપમાં આવી જાઓ અહીંયા મહિને પાંચ લાખ રૂપિયા નો તોડ પણ કરવા મળશે અને જો કોઈ એસીબીમાં ફરિયાદ કરી દે તો ઉપરના નેતાઓ પણ એસીબીને ફોન કરીને જાણ કરી દે છે કે આમને પકડવાના નથી.
આ પણ વાંચો: આપના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણ નિતીને લઈને કર્યું ટ્વિટ, ભાજપ પર તાક્યું નિશાન
ભાજપમાં નેતાઓ કહેતા હોય છે કે આપણે નરેન્દ્ર મોદીના નામે વોટ માંગીને જીતી જવાના છીએ અને જેટલો પણ ભ્રષ્ટાચાર કરીશું તેને લોકો ભૂલી જવાના છે. ગુજરાતની જનતાએ ભાજપને લોકસભામાં 26 સીટો આપી અને વિધાનસભામાં 156 સીટો આપી પરંતુ તેઓ આજે જનતા માટે સારી સ્કૂલ પણ બનાવી નથી અને પોતાના માટે દરેક જિલ્લામાં મોટા મોટા કમલમ બનાવી રહ્યા છે. આજે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને કમિશન આપ્યા વગર કામ થતું નથી. તપાસના નામે પણ કંઈ થતું નથી. હું સીઆર પાટીલને વિનંતી કરું છું કે તેઓ આ ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કરે કે તેઓ શું માને છે. એમને જણાવવું પડશે કે તેઓ આ કોર્પોરેટરોને ચાલુ રાખવા માંગે છે કે સસ્પેન્ડ કરવા માંગે છે અને જો આ કોર્પોરેટરોને ચાલુ રાખવામાં આવશે તો તેનો સ્પષ્ટ મતલબ થઈ તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.
અમારી માંગણી છે કે SITની રચના કરવામાં આવે અને તેમાં હાઇકોર્ટના નિવૃત્ત જજના અંતર્ગત તપાસ થાય. કારણ કે અમને એસીબીમાં પણ ગડબડ હોય એવું લાગી રહ્યું છે, આ સાચું છે કે ખોટું એ તો તપાસમાં બહાર આવશે. અમારા વિપક્ષના નેતાએ પણ પુરાવા એકઠા કર્યા છે. ગુજરાતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમે તેને જોઈને બેસી રહીશું નહીં. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે 50 લાખથી એક કરોડ રૂપિયા લઈને ભાજપમાં આવી જાવ અને ત્યારબાદ તમે ભાજપમાં આવીને લૂંટ ચલાવો. આવા અનેક આરોપ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાને ભાજપ પર નાખ્યા છે.
આ પણ વાંચો: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના આદીવાસી વિસ્તારની શૈક્ષણિક વ્યવસ્થાની ખોલી પોલ