ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી : વિરાટ કોહલીની 51મી સદી, ભારતે પાકિસ્તાનને 6 વિકેટે ધૂળ ચટાવી

દુબઈ, 23 ફેબ્રુઆરી : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે શાનદાર દેખાવમાં પાકિસ્તાની ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 241 રન પર જ સિમિત રહી હતી. આ પછી ભારતીય ટીમે વિરાટ કોહલીની સદીની મદદથી લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું.

કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ સદી ફટકારી

વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી શક્યો ન હતો. તેણે મેચમાં 111 બોલમાં 100 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. તેની બેટિંગ સામે પાકિસ્તાની બોલરો ટકી શક્યા ન હતા. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ સારો દેખાવ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા.

કોહલી અને અય્યરે પોતાની તાકાત બતાવી

રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિતે 15 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેના સિવાય શુભમન ગિલે 46 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી સૌથી મોટો હીરો સાબિત થયો અને તેણે અણનમ 100 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે તેને સારો સાથ આપ્યો અને જોરદાર અડધી સદી ફટકારી 56 રન બનાવ્યા હતા.

આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. કોહલી અને અય્યરની સામે પાકિસ્તાની બોલરો ફ્લોપ સાબિત થયા હતા અને સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ બંને બેટ્સમેનોએ ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને રન બનાવવામાં કોઈ ઉતાવળ બતાવી નહીં.

પાકિસ્તાની બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું

પાકિસ્તાની ટીમની શરૂઆત સારી રહી હતી. જ્યારે ટીમ 10 ઓવર બાદ 52 રન બનાવી ચુકી હતી. પરંતુ પાવરપ્લેમાં જ બાબર આઝમ (23 રન) અને ઇમામ ઉલ હક (10 રન) પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ ક્રિઝ પર આવ્યા હતા. આ બંને ખેલાડીઓએ ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી.

રિઝવાને 77 બોલમાં માત્ર 46 રન બનાવ્યા, જેમાં તે માત્ર ત્રણ ચોગ્ગા જ ફટકારી શક્યો હતો. બાદમાં શકીલે ઝડપી રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેણે 76 બોલમાં 62 રન બનાવ્યા હતા. ખુશદિલ શાહે 38 રન બનાવ્યા હતા. પાકિસ્તાની ટીમ સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી ન હતી અને 49.4 ઓવરમાં માત્ર 241 રન સુધી જ સિમિત રહી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :- ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલા અમેરિકન પ્લેનને ધમકી મળી, રોમ તરફ વાળવામાં આવ્યું

Back to top button