ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મેં ભી કેજરીવાલ’ લખેલી ટી-શર્ટમાં AAP નેતાઓનો વિધાનસભામાં વિરોધ, કેન્દ્ર સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હી, 27 માર્ચ: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરોધમાં AAPના કાર્યકરોએ વિધાનસભામાં નારેબાજી કરી હતી. વિધાનસભા સામે AAPના ધારાસભ્યોએ ‘તાનાશાહ’નું પૂતળું દહન કર્યું. તમામ ધારાસભ્યો પીળા રંગની ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા જેના પર ‘મેં ભી કેજરીવાલ’ લખેલું હતું. આ દરમિયાન તેઓ ED અને BJP વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તાનાશાહ મુર્દાબાદ, કેજરીવાલને છોડોના નારા લગાવ્યા હતા.

દેશમાં લોકશાહી ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે: આતિશી

વિધાનસભામાં વિરોધ કરી રહેલા AAPના મંત્રી આતિશીએ કહ્યું કે, અમારા તમામ ધારાસભ્યો દિલ્હીના સીએમ કેજરીવાલને ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. આ દેશમાં લોકશાહી ખતમ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને વિપક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. બેન્ક એકાઉન્ટને સીલ કરી દેવામાં આવી રહ્યા છે

દિલ્હીના દરેક પરિવારમાં છે કેજરીવાલ: સૌરભ ભારદ્વાજ

દિલ્હી વિધાનસભામાં આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે, અમે આ અભિયાન – ‘મેં ભી કેજરીવાલ’ સમગ્ર દિલ્હીમાં શરૂ કર્યું છે. દિલ્હીમાં દરેક પરિવારમાં એક કેજરીવાલ છે. તેમણે કહ્યું કે, તમે કેજરીવાલની ધરપકડ કરી શકો છો પરંતુ તમે દરેક પરિવારમાં હાજર કેજરીવાલની કેવી રીતે ધરપકડ કરશો? આ ઉપરાંત, આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપને ગેરસમજ થઈ છે કે ED દ્વારા અરવિંદ કેજરીવાલની ગેરકાયદેસર ધરપકડથી AAPને નુકસાન થશે. પરંતુ, તેમની ધરપકડ બાદથી જે લોકો અરવિંદ કેજરીવાલની યોજનાઓના લાભાર્થી હતા તેઓ રસ્તા પર આવીને તેમના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે.

વકીલો કેજરીવાલની ધરપકડનો વિરોધ કરશે

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના લીગલ સેલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની દારૂની આબકારી નીતિ કેસમાં ધરપકડના વિરોધમાં દિલ્હી કોર્ટમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. બીજી તરફ હાઈકોર્ટ EDની ધરપકડ અને ટ્રાયલ કોર્ટના આદેશ સામે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. EDએ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. હાલ, સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: જર્મની બાદ અમેરિકાએ CM કેજરીવાલની ધરપકડ અંગેનો મુદ્દો ઉઠાવ્યો, જાણો શું કહ્યું

Back to top button