ટ્રેન્ડિંગનેશનલ

ગૌતમ ગંભીરના નિર્ણય પર AAPએ કર્યો ભાજપ પર કટાક્ષ, કહ્યું- લાયકાત જોયા વિના જ સાંસદ બનાવ્યા

નવી દિલ્હી, 02 માર્ચ 2024: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય મેદાનમાંથી બહાર થઈ ગયા છે. લોકસભા ચૂંટણી માટે તેમની ટિકિટ કાપવાની અટકળો વચ્ચે ગૌતમ ગંભીરે તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિનો સંકેત આપ્યો. ગૌતમ ગંભીરની આ પોસ્ટ બાદ આમ આદમી પાર્ટીએ ગંભીર પર નિશાન સાધ્યું છે.

AAP નેતા આતિશીએ ગંભીર પર લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આજે ગૌતમ ગંભીરે પોસ્ટ કરીને કહ્યું કે, તે હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આનો મતલબ સાફ છે કે, ભાજપે ગૌતમ ગંભીરનું પત્તુ કાપ્યું છે. ભાજપનો એવો ટ્રેન્ડ રહ્યો છે કે, પહેલા તેઓ કોઈને પણ ટિકિટ આપી દેતા, ના તેમની યોગ્યતા જોતાં કે ના તેમની લાયકાત. ભલે તે પછી ભાજપનો સાંસદ હોય કે ધારાસભ્ય કે કાઉન્સિલર હોય. ઉપરથી નીચે સુધી ચૂંટાયેલા ભાજપના એકપણ પ્રતિનિધિ તેમના વિસ્તારની જનતાની નજરે નથી પડતા. ગૌતમ ગંભીરે છેલ્લા પાંચ વર્ષથી પોતાના વિસ્તારમાં કોઈ કામ કર્યું નથી. શું ગૌતમ ગંભીર તેમના વિસ્તારમાં ગેરહાજર રહ્યા?

ગંભીર ચૂંટણી લડતા પહેલા જ નાસી ભાગ્યા:આતિશી

આતિશીએ બીજેપીને દિલ્હીના તેના 7 સાંસદોના રિપોર્ટ કાર્ડ આપવાનો પડકાર ફેંક્યો અને કહ્યું કે જ્યારે એલજી દિલ્હી સરકારનું કામ રોકી રહ્યા હતા તો આ 7 સાંસદો શું કરી રહ્યા હતા? તેમણે કહ્યું કે જ્યારે સંસદમાં દિલ્હીના બંધારણીય અધિકારોની હત્યા થઈ રહી હતી ત્યારે આ 7 સાંસદો ક્યાં હતા? ગૌતમ ગંભીર પર નિશાન સાધતાં આતિશીએ કહ્યું કે, ગંભીર પૂર્વ દિલ્હીથી નાસી ભાગ્યા છે. મેં ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો, પરંતુ તેમણે ભાગી જવાનું નક્કી કર્યું. ભાજપ દ્વારા નકામા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે. 5 વર્ષ સુધી કંઈ કામ નહીં કરવાનું, અને પાછળથી ઉમેદવારો બદલી નાખવાના. તેમણે પ્રહાર કરતાં આગળ કહ્યું કે, ગંભીર પાસે ક્રિકેટ કોમેન્ટ્રી કરવાનો સમય હતો પરંતુ તેની પાસે લોકો માટે કામ કરવાનો સમય નહોતો.

આ ઉપરાંત,  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ દિલ્હી લોકસભા સીટના INDIA બ્લોકના ઉમેદવાર કુલદીપ કુમારે પણ ગૌતમ ગંભીર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘તે દિલ્હીના લોકોને મળ્યા નથી. તેમણે કોઈના સુખ-દુઃખની પરવાહ નથી કરી. તેઓ કોઈ બેઠકમાં ગયા નથી. ગંભીર માત્ર નિવેદનબાજી કરતા હતા.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરે રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ?

Back to top button