ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં AAPએ કોંગ્રેસને માત્ર એક સીટ આપવાની ઓફર કરી

  • આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં 6 ઉમેદવારોના નામની કરશે જાહેર
  • સમયસર જવાબ નહીં મળે તો ઉમેદવારોની જાહેરાત કરીશું : AAP

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક આજે મંગળવારે પૂર્ણ થઈ ગઈ હતી. બેઠક બાદ AAPના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના સંગઠન મહાસચિવ ડૉ.સંદીપ પાઠકે પત્રકાર પરિષદને સંબોધી હતી. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, AAPની રાજકીય બાબતોની સમિતિમાં આજે મુખ્ય ચર્ચા લોકસભા ચૂંટણી અને આ ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન પર હતી. બેઠકમાં કોંગ્રેસનું સન્માન રાખતાં લોકસભા ચૂંટણીમાં 1 સીટ આપવાની પ્રસ્તાવ મૂક્યો છે. જે અંગે કોંગ્રેસ તરફથી સમયસર જવાબ નહીં મળે તો ઉમેદવારોની જાહેરાત કરીશું. દેશના હિતમાં અમે ભાજપને હરાવવા માટે INDI ગઠબંધન સાથે આવ્યા છીએ.”

 

સંગઠન મહાસચિવ ડૉ.સંદીપ પાઠક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “ગઠબંધનનો હેતુ દેશના હિતમાં છે, તેથી AAP ગઠબંધનનો ભાગ રહેશે. આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ગઠબંધનની સાથે છે. પરંતુ કોંગ્રેસ તરફથી ચૂંટણીને લઈને વિલંબ થઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે બે વખત બેઠકો થઈ છે, બેઠકો સારા વાતાવરણમાં થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.”

“ત્યારબાદ આગામી કોઈ બેઠક થઈ નથી. અમે મીટિંગની રાહ જોઈ રહ્યા છીએ. અમને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસની ચાલી રહેલી મુલાકાતને કારણે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ એ પણ કહી શકતા નથી કે આ બેઠક ક્યારે યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણી કેવી રીતે જીતવામાં આવશે તે પ્રશ્ન ઉભો થાય છે.”

કોંગ્રેસને માત્ર એક જ સીટ આપશે

દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસને એક સીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ અંગે કોઈ નિષ્કર્ષ બહાર નહીં આવે તો આગામી થોડા દિવસોમાં AAP દિલ્હીની છ બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. તેમણે કહ્યું કે, “ આજે દિલ્હીમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તેને આધારે કોંગ્રેસને એક પણ સીટ આપી શકીએ તેમ નથી, પરંતુ ગઠબંધનને જોતા તેમને એક સીટ આપવામાં આવશે.”

ગુજરાત-ગોવામાં આ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત

ડૉ.સંદીપ પાઠકે કહ્યું કે, આજે હું કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યો છું. બેંજી દક્ષિણ ગોવાથી પાર્ટીના ઉમેદવાર હશે, તેઓ ત્યાં AAP ધારાસભ્ય છે.

ગુજરાતમાં ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશ મકવાણા ઉમેદવાર હશે. કોંગ્રેસ અહેમદ પટેલની પુત્રી માટે ભરૂચ બેઠકની માંગ કરી રહી છે, પરંતુ ત્યાં તેમનો કોઈ આધાર નથી, તેમની પુત્રી દિલ્હીમાં રહે છે. કોંગ્રેસ આ બેઠક સતત હારી રહી છે, જ્યારે ચૈતર વસાવાને ત્યાં જંગી સમર્થન છે. એટલા માટે AAP આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારી રહી છે. AAPએ ગુજરાતમાં ગઠબંધન પાસેથી માત્ર આઠ બેઠકો માંગી છે, AAP ત્યાં તેના ઉમેદવારો ઉભા કરશે.

આ પણ જુઓ: ચૈતર વસાવા ભરૂચથી અને ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે

Back to top button