પાલનપુર: બનાસકાંઠાની ‘આપ’ પાર્ટીના કાર્યકરોએ વીજળીના મુદ્દે ડીસા ખાતે વિશાળ મશાલ રેલી યોજી હતી. સાઈબાબા મંદિર પાસેથી મશાલ રેલી શરૂઆત થતા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. અને કાર્યકરોને વાનમાં પોલીસમાં લઈ જવાયા હતા. જ્યાં ‘આપ’ના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી.
આપ’ના કાર્યકરોને પોલીસ મથકમાં લઈ જવાતા રામધૂન બોલાવી
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા તેમજ તાલુકા સંગઠનના સર્વે પદાધિકારીઓ તથા જિલ્લાના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતમાં વીજળીના વધતા ભાવના વિરુદ્ધમાં મશાલ સાથે પદયાત્રાનુ કરવામાં આવ્યું. “સસ્તી વીજળી અમારો અધિકાર” ના નારા સાથે મશાલ રેલી ની શરૂઆત કરવામાં આવી હતી. ‘આપ’ના આગેવાનો એ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ના ઈશારે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ નેતા ભેમાભાઈ ચૌધરી ,લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે,જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારને પડકાર ફેંકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતું હોય તો શા માટે ગુજરાતની જનતાને મોંઘવારીના માર સ્વરૂપ પ્રતિવર્ષ યુનિટ દીઠ દર વર્ષે એક રૂપિયાથી પણ વધારે ભાવ વધારો કરવામાં આવેલ છે. અને લોકોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવી રહ્યા છે. જો દિલ્હી સરકાર દ્વારા 200 યુનિટ જેટલી વીજળી તથા પંજાબ સરકાર દ્વારા પહેલી જુલાઈથી 300 યુનિટ જેટલી વીજળી આપવામાં આવે છે. તો વિજ ઉત્પાદન માટેનું હબ ગણાતા ગુજરાત દ્વારા કેમ નહીં,,????, આ રીતે તાનાશાહી કરી કયાં સુધી પોલીસનો ઉપયોગ કરી અટકાયતો કરશો તેમ પણ આગેવાનોએ ઉમેર્યું જતું. આગેવાનોએ પડકાર ફેંક્યો હતો કે, જનતાને વીજળી સસ્તી કરાવી જ જંપીશું.
પોલીસ મથકમાં રામધૂન
ડીસામાં મશાલ રેલી કાઢી રહેલા ‘આપ’ના કાર્યકરોને પોલીસે વચ્ચેથી રોકીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકમાં લઈ ગયા હતા. જ્યાં પોલીસ મથકના કમ્પાઉન્ડમાં કાર્યકરો બેસી ગયા હતા. અને રામધુન બોલાવવાની શરૂઆત કરી હતી. તેઓએ વીજળીના મુદ્દે પીછેહટ નહીં કરવાનું પણ જણાવ્યું હતું.