ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ગેરંટી કાર્ડ રજૂ કર્યા
પાલનપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફ્રી રેવડી અને ગેરંટી કાર્ડ આપવાની શરૂઆત કરી છે. ત્યારે ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ડીસા વિધાનસભા મત વિસ્તારની સમસ્યાઓ ઉકેલવા ગેરંટી કાર્ડ રજૂ કરી આમ આદમી પાર્ટીને વિજય બનાવવાની હાકલ કરી હતી.
ડીસાને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા પડતર પ્રશ્નોનો નિકાલ કરાશે
ડીસા વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉચ્ચ શિક્ષણ પામેલા અને સેવાભાવી યુવક ડૉ. રમેશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ચૂંટણીમાં પ્રચાર અર્થે આવી લોકોના કામ કરવાની અને સમસ્યાઓ હલ કરવાની ગેરંટી આપી રહ્યા છે. તે રીતે ડીસા વિધાનસભાના ઉમેદવાર ડૉ.રમેશ પટેલે પણ ડીસા મતવિસ્તારના લોકોની સમસ્યાઓ તેમના પડતર પ્રશ્નો સારી રીતે ઉકેલાય અને ભ્રષ્ટાચાર તેમજ હપ્તારાજ ખતમ થાય તે માટે કામ કરવાની ગેરંટી આપતા ગેરંટી કાર્ડ પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: ટાટા કંપનીના ચેરમેન રતન ટાટાની પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્તિ
ડૉ. રમેશ પટેલે જણાવ્યું હતું કે,આમ આદમી પાર્ટી એ મને ડીસા વિધાનસભા અને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે ત્યારે મારું કામ સારું અને સાચું લાગે તો સપોર્ટ કરજો નહીંતર જો ક્યાંય ભ્રષ્ટાચારમાં, કમિશનખોરીમાં મારું નામ આવે કે લોકોના કામ ન કરી શકું તો મને સરેઆમ ખુલ્લો પાડજો અને મારો ખુલ્લો વિરોધ કરજો. ઉત્તર ગુજરાતની આર્થિક નગરી ગણાતા ડીસાના વેપાર જગતની હાલત ખરાબ હોઇ તેમણે વેપારીઓ માટે ગેરંટી કાર્ડ, શિક્ષણ, આરોગ્ય સેવા માટે, રોડ રસ્તા જેવા પ્રશ્નોના નિકાલ માટે તેમજ ઓવરબ્રિજના પ્રશ્નોના નિકાલ માટે ગેરંટી કાર્ડ રજૂ કરી ડીસાને સારું અને સમૃદ્ધ બનાવવા આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ આ ગેરંટી આપી
- ડીસામાં ત્રણ પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે
- ડીસાને અગ્રીમ વેપારી મથક બનાવી વેપારીઓના પ્રશ્નો હલ કરવામાં આવશે
- વેપારીઓને બાબુશાહીમાંથી અને હપ્તારાજથી મુક્તિ મળશે
- ડીસામાં લોડિંગ અનલોડિંગના ટાઈમ ઝોન સેટ કરવામાં આવશે
- જીઆઇડીસી વિસ્તારમાં સારા રોડ રસ્તા બનાવવામાં આવશે
- ગટરની સમસ્યા હલ કરાશે
- જીઆઇડીસી માં ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
- સુરક્ષા માટે અલગથી પોલીસ ચોકી ઉભી કરાશે
- ડીસા હાઈવે વિસ્તારની સોસાયટીઓને રોંગ સાઈડમાં ન આવવું પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ મુકાશે
- ઓવરબ્રિજની તમામ સમસ્યાઓ હલ કરાશે
- ઓવરબ્રિજની લાઈટો ચાલુ કરાશે
- પાર્કિંગ માટેનું ટોઈંગ રાજ ખતમ કરાશે
- ડીસામાં ટ્રાફિક સિગ્નલો મુકાશે
- નાના મોટા ટ્રાન્સપોર્ટરો માટે હપ્તારાજ ખતમ કરાશે.