ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો કયા બે નેતાને સોંપી જવાબદારી

Text To Speech

અમદાવાદ, તા. 21 માર્ચ, 2025: ગુજરાતમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને આશરે અઢી વર્ષ જેટલો સમય બાકી છે. આમ આદમી પાર્ટીએ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાય અને સહ પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂક કરી છે.

આમ આદમી પાર્ટીએ કેટલાક રાજ્યો માટે નવા પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગોવામાં પ્રભારી પંકજ ગુપ્તા તેમજ સહ-પ્રભારી અંકુશ નારંગ જી, આભાસ ચંદેલા અને દીપક સિંગલાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પંજાબના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સહ પ્રભારી તરીકે સત્યેન્દ્ર જૈનની નિમણૂંક કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દિલ્હી પ્રદેશ પ્રમુખની જવાબદારી સૌરભ ભારદ્વાજને અને જમ્મુ અને કાશ્મીર સંયોજકની જવાબદારી મેહરાજ મલિકને સોંપવામાં આવી છે.

ગુજરાતના પ્રભારી બન્યા બાદ ગોપાલ રાયે શું કહ્યું

ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ રાયે કહ્યું કે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે કે સમગ્ર દેશમાં સંગઠન વિસ્તારનું કામ તેજ કરાશે. પાર્ટી એવા રાજ્યોમાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જ્યાં ચૂંટણી થવાની છે અને પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે.

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપનો કેવો હતો દેખાવ

આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પાર્ટીને 5 સીટ મળી હતી. પરંતુ પક્ષના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથીરિયા હારી ગયા હતા. ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ મળી હતી.


આ પણ વાંચોઃ લોકશાહીનો જય હો! ભાજપના 18 ધારાસભ્યો વિધાનસભામાંથી છ મહિના માટે સસ્પેન્ડ

Back to top button