રાજકોટના યુવકને ઓનલાઈન એપ્લિકેશનથી લોન લેવી મોંઘી પડી, જાણો શું થયું
- લીધેલી લોન ભરી છતા બદનામ કરવાની ધમકી આપી
- રૂ.1.41 લાખના બદલામાં રૂ.5.22 લાખ ભરાવ્યાનો આરોપ
- લોન ન ભરે તો સંબંધીઓને જાણ કરવાની આપતા ધમકી
- સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ફરીયાદ
રાજકોટના દોઢસો ફુટ રોડ પર ગોવર્ધન ચોક પાસે સ્કાઇ હાઇટ્સ ફલેટમાં રહેતા યુવાને લીધેલી રૂ.1.41 લાખની લોન ભરી દીધી છતાં ‘લોનની રકમ નહી ભરો તો, તમે ડિફોલ્ડર અને લોન ચોર છો’ તેવા સગા-સંબંધીઓને મેસેજ કરીશું’ તેમ અલગ-અલગ પાંચથી વધુ નંબર પરથી ફોનમાં આવતા રૂા.5.22 લાખ ભર્યા છતાં વધુ રકમની માંગણી કરી હેરાન – પરેશાન કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
રૂપિયાની જરૂરિયાત ઉભી થતા એપ ડાઉનલોડ કરી
મળતી વિગત મુજબ દોઢસોફુટ રોડપર ગોવર્ધન ચોક પાસે સ્કાઇ હાઇટ્સ ફલેટ નં.403/ડી માં રહેતા ચિરાગભાઇ મહેન્દ્રભાઇ પરમાર (ઉ.31) એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં ચીરાગભાઇએ જણાવ્યું છે કે, મારે રૂપિયાની જરૂરીયાત હોય જેથી પોતે પ્લેસ્ટોરમાંથી ઇન્સટન્ટ લોન આપતી એપલીકેશન સર્ચ કરી હતી તે વખતે પોતાને નાવી નામની એપ્લીકેશન મળી આવી જેમાં પોતે પોતાના પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટાની સેલ્ફી પાડી સબમીટ કરી હતી. બાદ આ એપ્લીકેશનમાંથી પોતાની લોન રીજેકટ થઇ હતી, જેથી આ નવી એપ્લીકેશન ‘કેશ કોડ’ ના રીવ્યુ મળ્યા હતા જેથી પોતે આ ‘કેશકોડ’ નામની એપ્લીકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી હતી અને લોગઇન કરતી વખતે એલોવ વીથ ગુગલ ઓપ્શનથી લોગન કરેલ હતું અને બધીજ પરમીશન ઓકે આપી દીધી હતી.
લોન કેમ જમાં કરાવવી તેની જાણ ન હતી
બાદ પોતે તે એપ્લીકેશનમાં જોતા તેમાં લોનના ઘણા બધા વિભાગ આપ્યા હતા જે ભુલથી બધા વિભાગ સિલેકટ થઇ ગયા હતા. જેથી પોતાના કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં નાની નાની રકમની કુલ લોન રૂા.1.41 લાખની રકમ અલગ – અલગ દીવસે મળેલી હતી અને આ લોન કેવી રીતે ભરપાઇ કરવી તેની વિગત પોતાને ખબર નહતી જેથી આ લોન લીધાના થોડા દિવસ બાદ પોતાને કોઇ અજાણ્યા માણસો દ્વારા વોટસએપમાં તથા સાદા કોલ આવતા હતા. જેમાં અલગ-અલગ પાંચ મોબાઇલ નંબર પરથી તેમજ અન્ય વર્ચુયલ નંબરમાંથી ફોન આવતા હોઇ અને પોતાને જણાવેલ કે ‘હું લોન વિભાગમાંથી બોલુ છું. તમે લોન લીધી છે તેના તમારે રૂપિયા જમા કરવા પડશે જો તમે આ લોનની રકમ નહી ભરો તો તમારા ફોનમાં રહેલ ફોન નંબર તથા ફોટા અમારી પાસે આવી ગયા છે અને તેમાંથી તમારા સગા-સંબંધીઓને તમારા વિશે ખરાબ મેસેજ કરીશું તેમ ડિફોલ્ટર તેમજ લોન ચોર છો’ તેવા મેસેજ કરીશું’ અને આ લોન જમા કરવા માટે પોતાને અલગ – અલગ ઘણા યુપીઆઇ આઇડી વોટસએપમાં આપ્યા હતા.
લોન ભરી દેવા છતાં ડબલ રૂપિયાની માંગ કરતા
જેથી પોતે તેણે આપેલ આઇડીથી લોનની રકમ ભરપાઇ કરી દીધી હતી. ત્યારબાદ પણ બીજા ઘણા અજાણ્યા માણસોના ફોન કોલ આવવા લાગ્યા અને પોતે લીધેલી લોન બાબતે ઉઘરાણી કરવા લાગ્યા અને પોતાની પાસેથી લોનના ડબલ રૂપિયાની માંગણી કરી હતી. ‘જો તમે આ લોનની ડબલ રકમ નહી ભરો તો તમારા ફોનમાં રહેલ ફોન નંબર તથા ફોટા અમારી પાસે આવી ગયા છે. અને તેમાંથી તમારા સગા-સંબંધીઓને તમારા વિશે ખરાબ મેસેજ કરીશું તમે ડિફોલ્ટર તેમજ લોન ચોર છો તેવા મેસેજ કરીશું’ જેથી પોતે વધુ કુલ રૂા.5.22 લાખ અલગ – અલગ યુપીઆઇ આઇડીમાં ભર્યા હતા.