ડીસાના વડાવળનો યુવાન બનાસ નદીમાં ડૂબ્યો, તંત્ર ઘટના સ્થળે
પાલનપુર: બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યા બાદ નદીના છેલ્લા એક અઠવાડિયામાં 9 થી વધુ વ્યક્તિઓ ડૂબ્યા છે. જેમાં સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામનો વધુ એક યુવક નાહવા જતા વહેણમાં ડૂબી ગયો હતો. જેને લઇને ગ્રામજનો મોટી સંખ્યામાં નદીના પટમાં પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ડીસાના સ્થાનિક તંત્રએ વારંવાર લોકોને અપીલ કરી છે કે, નદીમાં નાહવા કે નદી નજીક જવું નહીં. છતાં લોકો વહીવટી તંત્રની અપીલને અવગણીને નાહવા માટે બનાસ નદીમાં જાય છે. ત્યારે એક સપ્તાહમાં નવથી વધુ લોકોની નદીમાં ડૂબવાની ઘટનાઓ બની છે. દરમિયાન સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામના કુલદીપજી જેણાજી ઠાકોર નદીમાં નાહવા ગયો હતો. જ્યાં નદીના વહેણમાં ડૂબી જવાની ઘટના બની હતી.
જે ઘટનાના સમાચાર વડાવળ ગામમાં ફેલાતા લોકોના ટોળા નદીના પટમાં પહોંચ્યા હતા. જ્યારે ડીસા ફાયર ફાઈટરને આ આ અંગેની જાણ કરાતા સ્ટાફ સાથે તેઓ વડાવળ નદી પટમાં પહોંચ્યા હતા. જ્યાં ડૂબેલા યુવકને શોધખોળ હાથ ધરી હતી. જો કે હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અગાઉ જુના ડીસામાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા. આમ બનાસ નદીમાં ડૂબવાની ઘટનાઓ વારંવાર બનતા લોકો ચિંતિત બન્યા છે.
મામલતદારે સરપંચો સાથે બેઠક યોજી હતી
બનાસ નદીના પટમાં લોકો નાહવા માટે જાય છે. અને ડૂબવાના કિસ્સા બને છે. જેને લઈને ડીસા ગ્રામ્ય મામલતદાર એ બે દિવસ પહેલા જ આવી ઘટનાઓ ન બને તે માટે ડીસા તાલુકાના ગામોના સરપંચ અને તલાટીઓ સાથે બેઠક કરીને અપીલ કરી હતી.જ્યારે લોકો તંત્રની અપીલને હવે અવગણશે તો કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી