વડોદરાઃ નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને 10 જેટલા મગરો ખેંચી ગયા
વડોદરા, 11 જુલાઈ 2024, ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદ સારો થવાથી નદી તળાવોમાં નવા નીર આવ્યાં છે. રાજપીપળા નજીક નદીમાં એક યુવક માછલી પકડવા ગયો હતો. નદીમાં માછલી પકડવા જતાં યુવકને મગરો ખેંચી ગયા હતાં. આ ઘટનાનો કોલ મળતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ માટે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ફાયરની ટીમ જ્યારે પહોંચી ત્યારે 10 મગરો નદીમાં આંટા મારી રહ્યા હતા.
બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો
ફાયર વિભાગના જવાન પ્રભાતભાઈ રોહિતે મીડિયાને જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કોઈ વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો છે. કોલ મળતાની સાથે જ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ડભોઈ ફાયરની મદદ લઈ અમે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે 10 મગરો આજુબાજુ ફરતા હતા. અમારી ટીમ માટે રેસ્ક્યૂની કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી. આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં ઉતારી અને ત્યારબાદ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો હતો.
માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની
નદીમાં માછલી પકડવા માટે ગયેલા યુવકનુ નામ પ્રવીણ દેવજીભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચાણોદના ભાલોદરામાં રહેતો હતો અને માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.વડોદરા શહેર વિશ્વામિત્રી નદીકાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે. ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાં જ મગરો બહાર આવા લાગ્યા છે. વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે. ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃરીલ્સની રાણી ફરારઃ CIDની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવા પોલીસ દોડતી થઈ