બનાસ નદીમાં ડૂબેલો યુવાન 24 કલાક બાદ પણ લાપતા
પાલનપુર : દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાયા બાદ નદીમાં અઠવાડિયાથી 9 થી વધુ વ્યક્તિઓ ડૂબ્યા છે. સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામનો વધુ એક યુવક ન્હાવા જતા વહેણમાં તણાઈ ગયો હતો. લાપત્તા થયેલો યુવકની 24 કલાક બાદ પણ કોઈ પણ ભાળ મળી નથી. દરમ્યાન દાંતીવાડા તાલુકાના રામનગર માંથી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા.
જે તરવૈયાઓએ મંગળવારે સવારે બે નાવ લઈ નદીના વહેણમાં ગુમ થયેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. સાંજે 5:00 વાગ્યા સુધીમાં ડૂબી ગયેલા યુવકનો કોઈ પતો મળ્યો નથી. જેને લઇને તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.મંગળવારે પણ વડાવળ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં નદીના પટમાં પહોંચ્યા હતા. ડીસાના સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.
કુલદીપની કોઈ ભાળ ના મળતા પરિવારજનો ચિંતીત
સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામના કુલદીપજી જેણાજી ઠાકોર નદીમાં નાહવા ગયો હતો. જ્યાં નદીના વહેણમાં ડૂબી જવાની ઘટના બની છે. આ ઘટનાને 24 કલાક વીતી ગયા બાદ પણ ઘરના ચિરાગ નો પતો ના લાગતા કુલદીપનો પરિવાર ચિંતાગ્રસ્ત વદને નદીના પટમાં દીકરાની રાહ જોઈને ઉદાસ બેઠેલા જોવા મળે છે.