ગુજરાત
રાજકોટમાં સામાન્ય બાબતે યુવકની હત્યા કરી નાખવામાં આવી, જુઓ શું હતું કારણ ?
રાજકોટમાં સોમવારે વહેલી સવારે એક યુવકની સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગાયકવાડીમાં રહેતો યુવક અને તેનો પરિવાર દૂધના ધંધાર્થી હોય તેનો ભાઈ ઢોર દોહવા માટે જતો હતો ત્યારે તેને કિટીપરાના નામચીન શખ્સે રોકી તેની સાથે માથાકૂટ કરવાનું શરૂ કરતાં તેણે યુવકને બોલાવ્યો હતો જે બાબતે નામચીન શખ્સને યુવક સમજાવતો હોય ત્યારે જ છરીના ઘા ઝીંકી દીધા હતા.
મિત્રના ઘરે માતાજીનો માંડવો હતો, ચા પીવા ઉભા હતા અને માથાકૂટ થઈ
આ બનાવ અંગે પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર ગાયકવાડી વિસ્તારમાં રહેતો જાકીર ઉર્ફે જાહીદ ઉર્ફે ટપુડો જુણેજા સોમવારે સવારે 3 વાગ્યે નજીકના કિટીપરામાં આવેલ પોતાના તબેલામાં ઢોર દોહવા માટે જતો હતો ત્યારે જ તબેલા પાસે આવેલા માતાજીના મંદિરે મિત્ર સુનિલ પરમારને ત્યાં માતાજીનો માંડવો હોય તેઓ આખી રાત્રી ત્યાં બેઠા હોવાથી અને સુનિલને ત્યાં નજીકમાં જ ચાની દુકાન હોય જેથી સુનિલ અને જાકીર ત્યાં ચા પિતા હતા. ત્યારે જ કિટીપરાનો નામચીન શખ્સ વિકી ઉર્ફે અશોક પરમાર ત્યાં આવ્યો અને તેણે જાકીરના સ્કૂટર ઉપર મુકા મારી નુકશાન પહોંચાડવાનું શરૂ કર્યું જેથી જાકીર અને સુનિલે તેને સમજવાનો પ્રયાસ કર્યો પણ તે ન માનતા જાકીરે પોતાના પિતરાઈ ભાઈ આસીફને ફોન કરી બોલાવ્યો હતો.
આસીફ અને વિકી મિત્રો હતા, તેથી સમજાવવા બોલાવ્યો
પોલીસે જણાવ્યું હતું કે, આસીફ અને વિકી સારા મિત્રો હતા. તેથી વિકીને સમજાવવા જાકીરે આસીફને ફોન કર્યો હતો. જેથી આસીફ ત્યાં આવ્યો અને વિકીને બાજુમાં લઈ જઈ તેને સમજાવતો હતો. ત્યારે જ ઉશ્કેરાટમાં આવી ગયેલા વિકીએ પોતાની પાસે રહેલી છરી કાઢી આસીફને પડખા અને પેટના ભાગે ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જેના પગલે સ્થળ ઉપર દેકારો મચી ગયો હતો જેથી આસપાસ રહેતા લોકો એકઠાં થઈ ગયા હતા. ટોળું જોઈ વિકી ત્યાંથી ભાગી ગયો હતો.
આસીફને રીક્ષામાં નાંખી હોસ્પિટલ પહોંચાડ્યો
વિકીએ આસીફને છરીના બે ઘા ઝીંકી દેતા તે ઢળી પડ્યો હતો અને ટોળું પણ એકઠું થઈ જતા વિકી ત્યાંથી ભાગી ગયો હતો. આસીફને લોહીલુહાણ જોઈ તેનો પિતરાઈ ભાઈ જાકીર તેને નજીકમાં પડેલી રીક્ષામાં નાંખી સિવિલ હોસ્પિટલ ખસેડે છે પરંતુ મોડું થઈ જતા તેનું લોહી ખુબજ વહી ગયું હોય જેને કારણે તેનું મોત નીપજે છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રદ્યુમનનગર પોલીસ દોડી જાય છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આસીફની હત્યા અંગે તેના પિતરાઈ જાકીરની ફરિયાદ લઈ વિકી ઉર્ફ અશોક પરમાર સામે હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ – પરિવારનો આધારસ્તંભ, બે સંતાનોનો પિતા
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતક આસીફ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. તે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ સાથે તે તેના માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો. તેને બે સંતાનો છે. જેમાં 10 વર્ષના પુત્ર અને 7 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.