ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

દાંતાના મગવાસની નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયો

Text To Speech

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલુ છે. ક્યાંક છૂટા છવાયા, તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં અને દાંતાપંથકમાં પણ ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જેને લીધે દાંતા નજીક ખેરોજની નદીમાં વરસાદી પુર આવ્યું હતું. દરમિયાન નદીના પટમાં એક યુવક ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. નદીનો પ્રવાહ એકાએક વધી જતા ફસાયેલા આ યુવકને બચાવવા માટે દાંતા પ્રાંત અધિકારી  દ્વારા રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે.  જેમાં      એનડીઆરએફ ટીમ  દોરડા અને અન્ય સામગ્રી સાથે તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં યુવકને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને ભારે જહેમત બાદ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો

અંબાજી પંથકમાં ભારે વરસાદ 

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા  વરસાદના સમયે નદીના પટમાં નહીં જવાની વારંવાર સુચના લોકોને આપવામાં આવે છે. છતાં લોકો આવી સૂચનાઓ અવગણી રહ્યા છે. જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. જ્યારે અંબાજી પંથકમાં ભારે વરસાદના પગલે અંબાજી શહેરના અનેક વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા હતા. અહીંના હાઇવે વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ પાલનપુરમાં પણ ભારે વરસાદના કારણે પાલનપુર- આબુરોડ હાઇવે ઉપર પણ વરસાદી પાણી ભરાતા સમગ્ર હાઇવે જળબંબોળ થઈ જવા પામ્યો હતો. તેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Back to top button