કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના ગોંડલમાં યુવકે ટૂંકાવ્યું જીવન, લખી હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ

Text To Speech

ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે ખુબ જ હૃદયદ્રાવક હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં તેણે આત્મહત્યાનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને ગણાવ્યું હતું. ત્યારે આ ઘટનાએ અત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.મળતી માહિતી મુજબ, કમરકોટડા ગામે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જયેશ જીવરાજભાઈ સરવૈયા (ઉ.વ.23)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે મોકલી જરૂરી કાર્યવાહી કરી હતી.

જયેશે લખેલી હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ

દરમ્યાન પોલીસે તપાસ કરતા ત્યાંથી એક લેટર મળી આવ્યો હતો. જે જયેશની સ્યુસાઈડ નોટ હતી. તેણે આપઘાત કરતા પહેલા આ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, ‘મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..’. બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું જે અધૂરું રહ્યું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્કમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને છેલ્લે જીવન ટૂંકાવ્યું હતું.

સ્યુસાઈડ નોટમાં લખેલી પોતાની અંતિમ બે ઈચ્છાઓ

વધુમાં આ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, I am Sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ. ઉપરાંત જયેશે સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ કહી હતી કે, (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો. ત્યારે 23 વર્ષીય યુવકે ભરી લીધેલા પગલાંના કારણે સમગ્ર ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Back to top button