ટૂંક સમયમાં જોવા મળશે વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન, સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરાશે
પશ્ચિમ રેલવે અંતર્ગત આવતા સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમા પરિવર્તિત કરવાનું યોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સોમનાથ મંદિરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જાણો સમગ્ર આયોજન વિશે સંપૂર્ણ માહીતી.
ટૂંક સમયમાં વિશ્વસ્તરનું સ્ટેશન જોવા મળશે
રેલવેના પ્રવાસીઓને ટૂંક સમયમાં વિશ્વસ્તરનું સ્ટેશન જોવા મળવાનું છે. રેલવે સ્ટેશનોને સેવાના સાધન તરીકે જ નહીં, પરંતુ એક સંપત્તિ તરીકે બદલવા અને વિકાસ કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, ભારતીય રેલવેએ પુનઃ વિકાસ માટે દેશમાં 204 સ્ટેશનોની ઓળખ કરી છે. જેમાં સોમનાથ સ્ટેશન પણ સામેલ છે. સોમનાથ સ્ટેશનને આર્કિટેક્ચરલ પરિવેશ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે.
સોમનાથ રેલવે સ્ટેશનના પુન:વિકાસનું કાર્ય શરૂ
પશ્ચિમ રેલવેમાં પુન:વિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનો પૈકી એક સોમનાથ સ્ટેશનના પુન:વિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157.4 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક આધુનિક સ્ટેશન રૂપે પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બર, 2022થી આ સ્ટેશનને કામગીરી માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનના બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલે છે. તે સાથે જ પાયાનું ખોદકામ પણ ચાલુ છે.
જાણો સોમનાથ રેલવે સ્ટેશન કેવું હશે માળખું
સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે જેનાથી એ નિશ્ચિત થશે કે સમગ્ર સ્ટેશનનો આગળનો ભાગ, ફિનિશિંગ, રંગ, સામગ્રી, તેની રચના અને સમગ્ર રૂપ અને અનુભવ દ્વારા એક સમાન લાગે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અને આગળનો ભાગ પણ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવો દેખાતો હશે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાંને પ્રતિબિંબિત કરશે અને પ્રાચીન તેમ જ આધુનિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે. સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુખ-સગવડો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે મનોરમ્ય રીતે ડિઝાઇન કરેલા સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે.
આ યોજનમાં અલગ અલગ આવવા-જવાના યાત્રી પ્લાઝા, સ્ટેશનના પ્લેટફોર્મ ભીડથી મુક્ત અને સરળતાથી અંદર આવવા-બહાર જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરવા માટે મુસાફરો માટે સગવડોથી ભરપૂર કોનકોર્સ-વેઇટિંગ રૂમ હશે. આખું સ્ટેશન વાઇ-ફાઇ કવરેજ ધરાવતું હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, ઊર્જાનો નવીનતાભર્યો ઉપયોગ વગેરે સગવડોની સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી સંચાલિત વાહનોના સંચાલનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ધરાવતું હશે, જેમાં ઉત્કૃષ્ટ રેલવે મેનેજમેન્ટ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલ લાક્ષણિકતાઓ સામેલ છે. આમ અહી તીર્થયાત્રીકો અને પર્યટકોને આધુનિક સુવિધાઓ અને સાધનો સાથે એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.
આ પણ વાંચો : વડગામ બેઠક પરથી જીત મેળવ્યા બાદ જીગ્નેશ મેવાણી ફરી આંદોલનના માર્ગે, જાણો ક્યા મુદ્દે આંદોલન શરુ કર્યું