પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જૂનાગઢમાં યોજાયો અદ્દભુત અશ્વ શો
જૂનાગઢ, 26 જાન્યુઆરી : દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે જુનાગઢમાં પણ રુવાંડાં ઊભા કરી દે તેવો અશ્વ શો યોજાયો. આ અશ્વ શો નિહાળીને પ્રજાજનો મંત્રમુગ્ધ બન્યા હતાં. સાથે જ, આ અશ્વ શોનું નેતૃત્વ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ.બારોટે અશ્વ પર સવાર થઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંચસ્થ મહાનુભાવોને સ્ટેન્ડિંગ સેલ્યુટ આપી હતી. તેની આ અશ્વસવારીની અસામાન્ય આવડત અને લોકોનું અભિવાદન ઝીલવાની કળાએ લોકોને બૂમો પાડવા માટે મજબૂર કર્યા હતાં.
ટ્રીપલ ટેન્ટ પેગીંગમાં પુરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપરથી ભાલા, તલવાર અને સળિયા વડે એક પછી એક જમીન ઉપર રોપેલ પેગને સફળતાપૂર્વક ઉપાડતા દ્રશ્યો નિહાળી દર્શકો રોમાંચિત બન્યા હતા. તેમજ, ઈન્ડિયન ફાઈલ નામના કરતબમાં એક સાથે પૂરપાટ ઝડપે દોડતા ૩ ઘોડાઓ પર જમીનમાં રોપેલી પેગને ઉપાડી હતી. ઘોડેસવારોએ જમ્પિંગ કોર્સમાં વારાફરતી મુકેલ અડચણોને પણ ચપળતાપૂર્વક કુદાવી હતી. આમ, સૌ કોઈ આ અશ્વ શો નિહાળી અભિભૂત થયા હતા.
આ અશ્વ શોમાં ભાગ લેનાર અશ્વના નામ પણ એટલા જ રસપ્રદ છે. જેમ કે, પાયલ, પારસ, બ્લેક ક્વીન, ગરુડ, કનૈયો, રોજી, સેન્ડ્રા હેલન, સમ્રાટ, રિદ્ધિ, પીન્કી, સમ્રાટ, વિલોજ વગેરે….
ટેન્ટ પેગીંગનો ઇતિહાસ
રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમાં એકબીજા રાજ્યો દુશ્મનના જે ટેન્ટો લાકડાની પેંગો જમીનમાં રોપીને ટેન્ટમાં રોકાણ કરતા હતા. આ સમયમાં આવા ટેન્ટ અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઈ અશ્વો દ્વારા હુમલો કરી પેંગોને ભાલાથી ઉખાડવવામાં આવતી અને દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો હતો. આમ, હાલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેપીંગ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટમાં ચુનીંદા અશ્વો અને અશ્વ સવારો ભાગ લે છે.
આ પણ વાંચો : કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આજે જન્મજયંતી