કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં મહિલાનું અપહરણ કરી બે – બે વખત સામૂહિક દુષ્કર્મ

Text To Speech

રાજકોટમાં એક મહિલા સાથે બે – બે વખત સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિથી અલગ યુવાન પુત્ર સાથે રહેતી મહિલાને તેના પરિચિત શખ્સે બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરીને અમદાવાદ હાઈવે ઉપર આવેલા ફાર્મ હાઉસમાં લઇ જઈ ત્યાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેનો વીડિયો ઉતારી ફરી એકવાર તેનું અપહરણ કરી લઇ તેના ઉપર ફરી દુષ્કર્મ આચર્યું હતું.

પતિથી અલગ રહેતી હતી મહિલા, લગ્નના ત્રણ વર્ષે ખબર પડી કે પતિ અગાઉથી જ હતો પરિણીત

મળતી માહિતી મુજબ રાજકોટમાં કુવાડવા રોડ ઉપર રહેતી એક 40 વર્ષની મહિલાએ ભક્તિનગર પોલીસ મથકે અમરેલીના જેસીંગપરા વિસ્તારના વતની અને પરિચિત મયુર ઘનશ્યામ કથીરિયા, અશોક પોપટ, ધનજી ચકુ ટીંબડિયા, જગદીશ જીવા ચાવડા અને એમ.એ. કાદરીના નામ જણાવ્યા છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન 1993માં પાલીતાણા પંથકમાં થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે. 1996માં મહિલાને ખ્યાલ આવ્યો કે પતિ પહેલેથી પરિણીત છે, ત્યારથી તે પુત્ર સાથે અલગ રહેવા ચાલી ગઈ હતી. જે-તે સમયે સાવરકુંડલામાં લોજ ચલાવતા અમરેલીના મયુર કથીરિયા સાથે મહિલા પરિચયમાં આવી હતી. રાજકોટમાં યુવાન પુત્ર સાથે રહેતી મહિલા ગત 29 મે 2022ના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં આજીડેમ પાસે ખરીદીમાં ગઈ હતી. ત્યારે આજી ડેમ સર્કલ પાસે રિક્ષાની રાહમાં ઉભી હતી એ વેળાએ સફેદ કલરની કાર લઈને મયુર ધસી આવ્યો હતો અને કારમાં બેસી જવા કહ્યું હતું. મયુરે ‘કારમાં બેસ તો કામ છે’ તેવું કહ્યું પણ કારમાં બેસવાની મહિલાએ ના પાડી હતી. આથી મયુર સાથે કારમાં રહેલા અશોક પોપટે બાવડું પકડીને કારમાં બેસાડી દીધી હતી. કારમાં અગાઉથી જ ધનજી અને જગદીશ હતા. અમદાવાદ હાઈવે પરના એક ખાનગી ફાર્મ હાઉસમાં બપોરે દોઢેક વાગ્યે લઈ ગયા હતા. જ્યા રૂમમાં પાંચેય શખસે બપોરના સમયે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતની પળોનો ધનજી ટીંબડિયાએ વીડિયો ક્લિપ પણ બનાવી લીધી હતી.

સામૂહિક દુષ્કર્મ બાદ બસ સ્ટેશન પાછળના ભાગે ઉતારી મુકી, ગત શનિવારે ફરી આ જ બન્યું

ત્યારબાદ સાડા ત્રણેક વાગ્યા પછી બસ સ્ટેશનના પાછલા દરવાજા પાસે ઉતારીને ચાલ્યા ગયા હતા. દરમિયાન મહિલા મોચીબજાર પાસે હતી ત્યારે અશોક પોપટ મળ્યો હતો. તેણે કહ્યું કે, શનિવારે છ વાગ્યે સોરઠિયાવાડી સર્કલે આવજે જેથી મહિલા સવા પાંચેક વાગ્યે ત્યાં પહોંચી હતી. ત્યારે છ વાગ્યાના અરસામાં અશોક પોપટ સફેદ કાર લઈને આવ્યો હતો. જેમાં અજાણ્યો 30 વર્ષની વયનો એક શખસ પણ બેઠો હતો. અશોકે કહ્યું કે ‘કાંઈ બોલ્યા વગર કારમાં બેસી જા.’ આથી મહિલાએ કહ્યું કે, મારી ક્લિપ પરત આપી દેવાની છે. અશોકે કહ્યું કે, તને આપી જ દેવાની છે. જેથી મહિલા કારમાં બેઠી હતી અને કાર ફરી કુવાડવા હાઈવે પર હંકારી હતી. કુવાડવા હાઈવે પર અન્ય એક સફેદ કાર ઉભી હતી, તેમાં બીજા માણસો હતા. બન્ને કાર ફરી એ જૂના ફાર્મ હાઉસ પર ગઈ હતી. ત્યાં બન્ને ગાડીમાં છ શખસ હતા. બધાએ રૂમમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું.

બીજી વખતે ત્યાં બે મહિલા પણ હતી, પોલીસમાં ન જવાની આપી ધમકી

બીજી વખત આચરેલા દુષ્કર્મ સમયે બે મહિલા ધની અને જ્યોતિ ઉર્ફે ગીતા પણ સાથે હતી. બન્ને મહિલા કહેતી હતી કે ‘અમે બન્ને છીએ, જે થશે તે લડી લઇશું, મુંઝાવાની કઈ જરૂર નથી.’ બાદમાં રાત્રિના નવેક વાગ્યે બન્ને મહિલા અને દુષ્કર્મ ગુજારનાર છ પૈકી પાંચ શખસો રૂમ બહાર નીકળી ગયા હતા. બાદમાં અશોક પોપટે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ‘જો પોલીસમાં ગઈ તો વીડિયો ક્લિપ વાઇરલ કરી દઈશ, તારા છોકરાને જાનથી મારી નાખીશ’ કહી ધમકી આપી હતી. ત્યારબાદ બસ સ્ટેશન પાછળ ઉતારીને ચાલ્યા ગયા હતા. ડરના કારણે ફરિયાદ ન કરી, પરંતુ ગઇકાલે મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં ફરિયાદ લેવાતા મહિલાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. હાલ ભક્તિનગર પોલીસે પૂરાવાઓ એકત્રિત કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Back to top button