સુરતમાં મહિલા PSI અને તેમના પુત્રને 8 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા


સુરત, 30 માર્ચ 2024, શહેરમાં લાલગેટ પોલીસ ચોકીના મહિલા PSI અને તેમના પુત્રને ACBએ 8 હજારની લાંચ સ્વીકારતા તેમની ઓફિસમાં જ ઝડપી લીધા હતા. વેપારીને ત્યાં કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં મહિલા PSIએ 10 હજારની લાંચ માગી હતી બાદમાં 8 હજાર લેવા તૈયાર થયા હતા.
ટેકનિશિયન પાસે 10 હજારની લાંચની માગણી કરી
મળતી માહિતી પ્રમાણે, સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં અરજી થઈ હતી. અરજીની તપાસ કરી રહેલા લાલગેટ ચોકીના મહિલા PSI મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેકનિશિયન પાસે 10 હજારની લાંચની માગણી કરી હતી. વાતચીત બાદ તે લાંચ પેટે 8 હજાર લેવા તૈયાર થયા હતા. ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતા તેમણે સુરત ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.ફરિયાદને પગલે સુરત ગ્રામ્ય ACBના PI એસ.ડી. ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું.
મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા
તે મુજબ મોડીસાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા PSI મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાત કરી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8 હજાર આપવા કહ્યું હતું.અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ ACBની ટીમ ત્રાટકી હતી અને મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા હતા.વર્ષ 2017માં PSI બનેલા મંજુલાબેન પારગીનો પગાર 70 હજાર છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃગુજરાતમાં 1 વર્ષમાં ACBએ 175 ભ્રષ્ટ અધિકારી- કર્મીઓ, 108 વચેટિયાને ઝડપ્યા