ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

84,000ની લાંચ લેતી મહિલા અધિકારી રંગે હાથ ઝડપાઈ જતાં ધ્રુસકે-ધ્રુસકે રડી

Text To Speech

હૈદરાબાદ (તેલંગાણા), 20 ફેબ્રુઆરી: હૈદરાબાદની એક મહિલા અધિકારી લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. પકડાઈ જવા પર કેમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. તેલંગાણાના આદિજાતિ કલ્યાણ એન્જિનિયરિંગ વિભાગમાં આ મહિલા કામ કરતી હતી. આ કાર્યકરી મહિલા એન્જિનિયરને સોમવારે 84,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) અનુસાર, એક વ્યક્તિએ મહિલા અધિકારી સામે ફરિયાદ નોંધાઈ હતી.

લાંચ લેતો વીડિયો વાયરલ થયો

ફરિયાદીએ એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કે.જગા જ્યોતિ પર સત્તાવાર લાભોના બદલામાં લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મળ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ મહિલાને પકડવા માટે જાળ બિછાવી. જ્યારે ફરિયાદી મહિલા પાસે પહોંચ્યો અને પૈસા આપતો હતો ત્યારે મહિલા  ACBના સંકજામાં આવી. લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ રડતી જગા જ્યોતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલા અધિકારીનો ટેસ્ટ કરાયો

જગા જ્યોતિ પર ફેનોલ્ફથાલિન ટેસ્ટ કરાયો હતો, જેમાં તેના જમણા હાથની આંગળીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ફેનોલ્ફથાલિન અને રાસાયણિક સંયોજન છૂટા પડી જાય છે, ત્યારે તે ગુલાબી થઈ જાય છે. મોટાભાગે આ ટેસ્ટનો ઉપયોગ લાંચ લેનારાઓને પકડવા માટે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ દસ્તાવેજો અથવા રોકડ હાથમાં લે છે, ત્યારે ફેનોલ્ફથાલિન સોલ્યુશનના નિશાન તેમના હાથ પર ચોંટી જાય છે અને ગુલાબી રંગ દેખાય છે.

અધિકારીને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરાશે

એસીબીનું કહેવું છે કે કાર્યકારી એન્જિનિયર કે.જગા જ્યોતિ તેના કામમાં અપ્રમાણિક હતા અને લાભ મેળવવા માટે લાંચ લેતા હતા. હાલ પુરાવાના આધારે મહિલા અધિકારીની ધરપકડ કરાઈ છે અને તેની પાસેથી લાંચ તરીકે લીધેલા 84 હજાર રૂપિયા પણ જપ્ત કરાયા છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, તેને હવે હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે વર્ષમાં 366 લાંચિયા અધિકારીઓ પકડાયા, જાણો સૌથી વધુ કયા વિભાગના

Back to top button