ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

રતન ટાટાને મળવાના ચક્કરમાં મહિલાએ 49 હજાર ગુમાવ્યા, ફેક મેસેજથી તમે પણ રહેજો સાવધાન

Text To Speech

રતન ટાટાને મળવાનો ઘણાં લોકોને ક્રેઝ છે. પણ હાલ સુરતમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. જેમાં સુરતના જહાંગીરાબાદમાં રહેતી મહિલાએ રતન ટાટાને મળવાના ચક્કરમાં 49 હજાર ગુમાવી દીધા છે. આ ઘટના સાયબર ક્રાઈમની સામે આવતાં પોલીસને પણ નવાઈ લાગી છે.

ઘટના એમ બની હતી કે, ફેસબુક ઉપર રતન ટાટા ફાઉન્ડેશનના ફેક આઈડી પરથી આવેલા મેસેજ બાદ મહિલાને 600 ડોલર મેમ્બરશીપ પેટે આપવાનું કહી આ પૈસા પડાવવામાં આવ્યા હતા. છેતરપિંડી થયાનું ધ્યાન પર આવતા મહિલાએ સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરાબાદ ખાતે શ્રી રાજ સાગર રો હાઉસમાં રહેતાં 45 વર્ષીય ઝંખના દેસાઈ SVNIT માં ટેક્નિકલ સ્ટાફમાં નોકરી કરે છે. ગત તા.6 એપ્રિલે તેમના ફેસબુક એકાઉન્ટ પર રતન ટાટા ફાઉન્ડેશનના ફેસબુક પરથી મેસેજ આવ્યો હતો. તેની સાથે વાતચીત કર્યા બાદ ઝંખનાબેને રતન ટાટા સાથે મુલાકાત કરવા વાત કરી હતી. જેથી અજાણ્યાએ રતન ટાટાના પીએ શાંતનુ નાયડુના ઇ-મેલ આઇડી પર સંપર્ક કરવા કહ્યું હતું. તથા મેમ્બરશીપ રજિસ્ટર કરવા પણ જણાવ્યું હતું.

આ ઇ-મેઈલ આઈડી પર મેઈલ કરતાં ઝંખનાબેનનું સરનામું, નામ, જન્મ તારીખ, ધંધો અને બેંક ખાતા સહિતની વિગતો મંગાવી હતી. તમામ વિગતો મેઈલ કરતાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં 600 ડોલર ટ્રાન્સફર કરવાનું કહેતાં ઝંખનાબેને 49,350 રૂપિયા NEFT કરાવ્યા હતા. ત્રણેક દિવસ પછી વધુ રકમ મિનિસ્ટ્રીમાં ભરવા માટે કહ્યું હતું. જેથી ઝંખનાબેનને શંકા ગઈ હતી. જેથી તેમને પૈસા આપ્યા નહોતા. બાદમાં ઇ-મેઈલ અને અજાણ્યા નંબર પરથી ફોન પણ આવ્યા હતા. ઝંખનાબેને મેમ્બરશીપ કેન્સલ કરવાનું કહેતાં 600 ડોલર પરત જોઈએ તો મેમ્બરશીપ કેન્સલનો ટર્મિનેશનનો લેટર આપવો પડશે. અને તે માટે રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જેથી ઝંખનાબેન તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી જતાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Back to top button