બેંગલુરુ બ્લાસ્ટના એક સપ્તાહ બાદ રામેશ્વરમ કાફે ફરી ખુલ્યું, આરોપીની શોધખોળ ચાલુ
બેંગલુરુ (કર્ણાટક), 09 માર્ચ: બેંગલુરુનું લોકપ્રિય રામેશ્વરમ કાફે વિસ્ફોટના 8 દિવસ પછી શનિવારે સવારે કડક સુરક્ષા હેઠળ ખોલવામાં આવ્યું છે. આઉટલેટની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી રહી છે. કાફે ખોલતા પહેલા કૉ-ફાઉન્ડર રાઘવેન્દ્ર રાવ અને તમામ કર્મચારીઓ રાષ્ટ્રગીત માટે જોડાયા હતા. એક સપ્તાહ પહેલા એટલે કે 1 માર્ચના કાફેમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.
#WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe.
The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE
— ANI (@ANI) March 9, 2024
કાફેની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓને તાલીમ અપાઈ
રામેશ્વરમ કાફેના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રાઘવેન્દ્ર રાવે કહ્યું, જે થયું તે નહોતું થવું જોઈએ. આ અમારા માટે મજબૂત બનવાનો પાઠ છે. ભલે ગમે તે થાય, અમને કોઈ રોકી શકશે નહીં.’તેઓ અમને પાઠ ભણાવવા માંગતા હતા પરંતુ અમે તેમને પાઠ ભણાવીશું. ભગવાન શિવના આશીર્વાદથી અમે મહાશિવરાત્રીના અવસર પર અમારું કાફે ફરી ખોલ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે અમે સુરક્ષાના તમામ પગલાં લઈ રહ્યા છીએ. અમે અમારી સુરક્ષા ટીમને મજબૂત બનાવી રહ્યા છીએ અને અમારા સુરક્ષા રક્ષકોને તાલીમ આપવા માટે ભૂતપૂર્વ સૈનિકોની પેનલ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે બેંગલુરુની લોકપ્રિય રેસ્ટોરન્ટ રામેશ્વરમ કેફેમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને ગ્રાહકોનો સમાવેશ થાય છે. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે એક બેગ છોડી દીધી હતી જેમાં ટાઈમર સાથે ફીટ કરાયેલ IED વિસ્ફોટ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે બેગ ધરાવનાર શંકાસ્પદ વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવવા માટે કેપ અને માસ્ક પહેર્યો હતો. આના ઘણા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટની ઘટનામાં બે શંકાસ્પદોની અટકાયત