શ્રીનગરની મુલાકાત એટલે ધરતી પરનું સ્વર્ગ, ખાસ જજો આ છ જગ્યાએ
- કાશ્મીરનું શ્રીનગર ઘણાં કારણોસર પ્રખ્યાત છે. જો તમે શ્રીનગરની મુલાકાત લેવા નીકળ્યા છો, તો અહીંના કેટલાક સ્થળોએ અવશ્ય ફરજો
કાશ્મીરની વાત આવે એટલે તેનું મનમોહક કુદરતી સૌંદર્ય નજર સામે તરવા લાગે. ત્યાંની સુંદર ખીણો અને મનમોહક વાતાવરણ દિલમાં વસી જાય છે. કાશ્મીરની આ વિશેષતાના કારણે તેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરનું શ્રીનગર શહેર ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. દાલ લેક અહીં ફરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. આ સાથે જ અહીં એવી ઘણી જગ્યાઓ છે જેનો નજારો તમારા માટે આજીવન યાદગાર બની જશે. કાશ્મીરનું શ્રીનગર ઘણા કારણોસર પ્રખ્યાત છે. જો તમે શ્રીનગરની મુલાકાત લેવા નીકળ્યા છો, તો અહીંના કેટલાક સ્થળોની અવશ્ય મુલાકાત લેજો. આ સ્થળો સુંદર હોવાની સાથે ઐતિહાસિક પણ છે. ચાલો જાણીએ આવી 5 જગ્યાઓ વિશે.
શ્રીનગરના 5 સુંદર સ્થળો
દાલ લેક
દાલ લેક જમ્મુ અને કાશ્મીરમાં આવેલું એક સુંદર તળાવ છે. આ તળાવ શિકારા સવારી, હાઉસબોટમાં રહેવા અને ફૂલોના બગીચાઓ માટે પ્રખ્યાત છે. આ તળાવ શ્રીનગર અને કાશ્મીરની ખીણ માટે મહત્વનો જળ પણ સ્ત્રોત છે. લેક પર શિકારામાં સમય વીતાવવો કોઈ પણ વ્યક્તિ માટે એક સપના સમાન છે. અહીં આસપાસ અનેક સુંદર જગ્યાઓ છે. તમે અહીંના બગીચાઓમાં ફરી શકો છો અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ લઈ શકો છો.
હઝરતબલ મસ્જિદ
હઝરતબલ મસ્જિદ 17મી સદીમાં મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવી હતી. આ મસ્જિદ તેના લાકડાની વાસ્તુકળા અને જટિલ કોતરણી માટે પ્રખ્યાત છે. મસ્જિદમાં એક વિશાળ પ્રાર્થના હોલ છે, જેમાં એક સમયે હજારો લોકો બેસીને નમાઝ પઢી કરી શકે છે. હઝરતબલ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે. આ મસ્જિદ શ્રીનગરના ડલ તળાવના કિનારે સ્થિત છે.
મોગલ ગાર્ડન
મોગલ ગાર્ડન શ્રીનગરને એક અલગ જ ઓળખ આપે છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ સુંદર બગીચા આવેલા છે. નિશાત બાગ, શાલીમાર બાગ અને ચશ્મા શાહી. આ બગીચાઓ તેમના સુંદર ફૂલોની ક્યારીઓ, ફુવારાઓ અને મંડપો માટે પ્રખ્યાત છે. મોગલ ગાર્ડન 16મી સદીમાં મોગલ સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવ્યું હતું. બગીચાઓમાં વિવિધ પ્રકારના ફૂલો, વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે, જેમાં ગુલાબ, જાસ્મીન, સૂર્યમુખી અને ટ્યૂલિપ્સનો સમાવેશ થાય છે. મોગલ ગાર્ડન શ્રીનગરનું લોકપ્રિય પર્યટન સ્થળ છે અને તેની સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રખ્યાત છે.
શંકરાચાર્ય મંદિર
શ્રીનગરમાં સ્થિત શંકરાચાર્ય મંદિર ભગવાન શિવને સમર્પિત મંદિર છે. આ મંદિરમાંથી શ્રીનગર શહેરનો ભવ્ય નજારો દેખાય છે. શંકરાચાર્ય મંદિર શ્રીનગરનું સૌથી ઊંચું સ્થાન છે. આ મંદિર પહેલા ‘શિવ મંદિર’ ના નામથી જાણીતું હતું. 8મી સદીમાં આદિ શંકરાચાર્યના આગમન પછી મંદિરનું નામ બદલવામાં આવ્યું હતું.
જામિયા મસ્જિદ
તે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત એક ઐતિહાસિક મસ્જિદ છે. આ મસ્જિદ તેના લાકડાના સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે જામિયા મસ્જિદનું નિર્માણ 14મી સદીમાં સિકંદર બુતશિકન દ્વારા કરવામાં આવ્યું હતું.
શારિકા દેવી મંદિર
શારિકા દેવીને શ્રીનગરના કુળદેવી કહેવાય છે. બહુ ઓછા લોકો આ મંદિર વિશે જાણતા હશે. આ મંદિર દેવી જગદમ્બાશરીકા ભગવતી માટે બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના નામ પરથી જ શ્રીનગરનું નામ પડ્યું હોવાનું કહેવાય છે. મા જગદમ્બાને દેવી દુર્ગાનું જ રૂપ કહેવાય છે. મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિની 18 ભૂજાઓ છે. કાશ્મીરી પંડિતો આ મંદિરને પવિત્ર માને છે અને અહીં શ્રદ્ધાળુઓનું હર નવમ કહીને સ્વાગત કરવામાં આવે છે. કાશ્મીર જઈને કોઈ પણ બીજી જગ્યાએ જતાં પહેલાં આ મંદિરના દર્શન કરવા જોઈએ.
આ પણ વાંચોઃ ગરમીમાં ગોવાના બીચની મજા લેવી હોય તો જાણો IRCTCનું સસ્તું પેકેજ