રાજકોટના રેસકોર્સ રોડ પર બાઇક પર ઉભા રહી જોખમી સ્ટંટ કરનાર બે યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે અને વધુ લાઇક્સ તેમજ ફોલોઅર્સ મેળવવા માટે યુવાનો પોતાની જિંદગી દાવ પર મૂકી જોખમી સ્ટંટ કરતા હોય છે. હાલમાં જ રેસકોર્સ રિંગરોડ પર રાત્રીના સમયે બે યુવાનો જોખમી સ્ટંટ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઘટનાના થોડાં જ દિવસો બાદ આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગણેશ વિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાનો બાઇક પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ યુવાનો એચ.એન.શુક્લ કોલેજના ગણેશ વિસર્જન રેલીમાં જોડાયા હતા. જો કે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જોખમી સ્ટંટ કરતો વિદ્યાર્થી
રાજકોટના રેસકોર્સ રિંગ રોડ જોખમી સ્ટંટ કરવા માટેનું મુખ્ય કેન્દ્ર સ્થાન હોય તેમ અવારનવાર આ રસ્તા પર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે જિંદગી જોખમમાં મૂકી સ્ટંટ કરતા નજરે પડે છે. એવો જ એક વધુ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ગઈકાલે એચ.એન.શુક્લ કોલેજ ગ્રુપ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તે વખતે મોટી સંખ્યામાં યુવાનો રેલી સ્વરૂપે જોડાયા હતા. જેમાંથી બે યુવાનો ઉત્સાહમાં આવી બાઇક પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. રેસકોર્સ રિંગ રોડ પર પટેલ આઈસ્ક્રીમ નજીક સામેના રસ્તા તરફ પહોંચ્યા એ સમયે જીજે-03-એમએફ-6182 નંબરના એક્સેસ મોટરસાઇકલ પર સવાર યુવાનોમાં પાછળ બેઠેલ યુવાન સીટ પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતો હતો જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
હાલમાં જ આવા જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઈરલ થયો હતો
થોડા દિવસ પહેલા આ જ જગ્યાએ રાત્રીના સમયે બાઇક પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે વાઇરલ વીડિયો અંગે ગુનો નોંઘી સ્ટંટ કરતા જયદિપ વશનાણી અને રોહન પરમારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.