ફ્લાઇટના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરે આપવીતી બતાવી, જૂઓ વીડિયો
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસજેટની ફ્લાઇટમાં એક પેસેન્જર દરવાજાનો લૉક ખરાબ થતાં એક કલાક સુધી ટૉયલેટમાં ફસાયેલો રહ્યો હતો. આ દરમિયાન યુવકે ટોયલેટની અંદર એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. આ મામલો 16 જાન્યુઆરીનો છે. સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટોયલેટના દરવાજામાં લૉકમાં ખામી સર્જાવાના કારણે તેને લગભગ એક કલાક સુધી પ્લેનના ટોયલેટમાં મુસાફરી કરવી પડી હતી.
પેસેન્જરે ટોયલેટમાં વીડિયો બનાવ્યો હતો
પેસેન્જર જ્યારે ટોયલેટમાં ફસાયો હતો ત્યારે તેણે સમગ્ર ઘટના માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પેસેન્જર ટોયલેટનો દરવાજો ખોલવાની કોશિશ કરે છે પરંતુ તે ખૂલતો નથી. પેસેન્જર પ્લેનમાં ટોયલેટ સીટ પર બેઠેલો છે. તેણે ઘણી વખત ગેટનું લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બહારથી કોઈએ ગેટ ખોલવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જ્યારે ફ્લાઇટ બેંગલુરુમાં લેન્ડ થઈ ત્યારે એક એન્જિનિયર આવ્યો અને ગેટ ખોલીને પેસેન્જરને બહાર કાઢ્યો હતો.
ક્રૂ મેમ્બરે ચિઠ્ઠી સરકાવીને ચિંતા ન કરવાનું જણાવ્યું
જ્યારે પેસેન્જર ટોયલેટમાં ફસાયો ત્યારે ક્રૂ મેમ્બરે દરવાજાની નીચેથી એક ચિઠ્ઠી અંદરથી સરકાવી હતી. તેમાં લખ્યું કે અમે દરવાજો ખોલવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, અમે દરવાજો ખોલી શક્યા નથી, થોડીવારમાં પ્લેન લેન્ડ થશે. ત્યાં સુધી કમોડની સીટ બંધ કરીને તેના પર બેસીને પોતાને સુરક્ષિત કરી લો. લેન્ડિંગ પછી પ્લેનનો દરવાજો ખૂલતાની સાથે જ એન્જિનિયર આવી પહોંચશે. ચિંતા કરશો નહીં.
સ્પાઈસ જેટે નિવેદન જારી કરીને ખેદ વ્યક્ત કર્યો
આ ઘટના બાદ સ્પાઈસ જેટે એક નિવેદન જારી કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. એરલાઈને તેના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે મુસાફરને પુરતી સહાય પૂરી પાડવામાં આવી છે. એરલાઈને પણ પોતાના નિવેદનમાં આ ઘટનાની જાણકારી આપી હતી. કંપનીના જણાવ્યા અનુસાર આ મામલો 16 જાન્યુઆરીનો છે. લૉકમાં ખામીના કારણે પ્લેનના ટોઇલેટનો દરવાજો ખુલી શક્યો ન હતો. એરલાઈને દાવો કર્યો છે કે મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મદદ અને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ફ્લાઈટમાં પેસેન્જર ટોઈલેટમાં ફસાયો, આખી મુસાફરી બાથરુમમાં બેસીને કરવી પડી