રામ નામ લખેલા જાદુઈ કળશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


અમદાવાદ, 18 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી ભારતવાસીઓને રામ નામનું એવું તો ઘેલું લાગ્યું છે કે અનેક લોકો પોતાનાથી શક્ય હોય પ્રયાસ કરી રહ્યા છે જેથી 22 જાન્યુઆરીના યુગપ્રવર્તક ઐતિહાસિક દિવસે સાથે પોતે જોડાઈ શકે. આ દરમિયાન જોકે કેટલીક એવી બાબતો પણ બહાર આવી રહી છે રોમાંચ, આશ્ચર્ય અને ક્યારેક આશંકા પણ જગાવે છે.
આવું જ કંઈક જોવા મળ્યું જાદુઈ કળશ વિશે. આ વીડિયોમાં તામ્ર રંગનો એક કળશ દેખાય છે અને તેમાં કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રયોગ કરે છે અને કળશની અસર દર્શાવે છે. વીડિયોના પ્રારંભમાં જોઈ શકાય છે કે કળશને ફરતે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની છબિની કોતરણી છે. હનુમાનજીને પણ પ્રણામની મુદ્રામાં જોઈ શકાય છે. અને રામ દરબાર લખેલું વાંચી શકાય છે. કળશ 1818માં બન્યો હશે તેવું તેના ઉપર અંકિત તારીખથી લાગે છે. તેના ઉપરના તેમજ નીચેના ભાગમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની લખેલું છે.
View this post on Instagram
આશ્ચર્યની વાત એ છે કે, કળશની નજીક દોરો ભરાવેલી સોય લઈ જવામાં આવે છે તો તે ચુંબકીય ખેંચાણથી વિરુદ્ધ જતી જોવા મળે છે. તો નટ-બોલ્ટને નજીક લઈ જવામાં આવે તો તે આપોઆપ ખૂલી જતો દેખાય છે. એ જ રીતે કળશ ઉપર ગમે તે જગ્યાએ દીવાસળી ઘસવામાં આવે તો તે સળગી ઊઠે છે. આમ તો આ વીડિયો 2022માં વાયરલ થયો હશે એવું તેમાં દેખાતી તારીખ ઉપરથી અંદાજ લગાવી શકાય, પરંતુ હાલ ચારે તરફ રામ નામના મહિમા વચ્ચે ફરી એ વીડિયો વાયરલ થયો હોવાનું લાગે છે.
કળશ બંધ છે એટલે તેની અંદર શું હશે જેને કારણે બહારનાં તત્ત્વો આવું રિએક્શન આપતાં હશે એ કહી શકાતું નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે, વર્તમાન સ્થિતિમાં અનેકને આ વીડિયો જોવાની મજા આવી રહી છે. કેટલાક લોકો તેને ભક્તિભાવ સાથે જોડે છે, તો કેટલાક લોકો તેની પાછળ કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરતો હોઈ શકે તેના વિશે વિચારણા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરાની સ્કાય ડાઈવર યુવતીએ થાઈલેન્ડના આકાશમાં ‘જયશ્રી રામ’નું બેનર ફરકાવ્યું