ભાજપનો કાર્યકર દર્દીને સભ્ય બનાવતો હોવાનો વીડિયો વાયરલ, જૂઓ ક્યાંની છે ઘટના
રાજકોટ, 20 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં નેતાઓ દ્વારા સભ્યો બનાવવવા માટે મથી રહ્યા છે પરંતુ કોઈને ભાજપનું સભ્ય બનવું ન હોય તેમ સભ્યો બનાવવા લોકોને ગોતવા જવા પડે છે અથવા કોઈને કોઈ બહાને લોકોને સભ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં ભાજપના નેતાઓ જાણે ભાન ભુલ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે.
મળતી માહિતી મુજબ, ભાજપના સદસ્યતા અભિયાનને ફિકો પ્રતિસાદ મળ્યો છે. ટાર્ગેટ અનુસાર સભ્ય ના બનતા હવે ભાજપના નેતાઓ ભાન ભુલ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવનાર ભાજપે સદસ્યતા અભિયાનમાં સભ્યોનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે છે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ ના થતા સ્કૂલ-કોલેજ બાદ હવે હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિસનગરમાં હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાની પોલ ખુલ્યા બાદ હવે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.
ભાજપમાં સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવા હોડ લાગી, કાર્યકરોએ દર્દીઓને પણ ન મૂક્યા, રાજકોટની એક હોસ્પિટલમાં સભ્યો બનાવવાનો વીડિયો થયો વાયરલ.#BJPGujarat #bjpmembershipdrive #rajkothospiral #humdekhengenews pic.twitter.com/r2dyifMC8I
— Hum Dekhenge News (@humdekhengenews) October 20, 2024
રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. સુઇ રહેલા દર્દીઓને ઉઠાડીને OTP લઇને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો જૂનાગઢના એક દાખલ દર્દીએ ઉતારી લેતા ભાંડો ફૂટ્યો છે. મોટાભાગના દર્દીઓને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ ભાજપના સભ્ય બન્યા છે. વોર્ડમાંથી 200થી 250 લોકોને આ રીતે ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- એક જ ‘X’ એકાઉન્ટમાંથી 46 વિમાનોને ધમકી, લખાણ પણ એકસરખું; યુઝર્સની શોધ ચાલુ